ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા વસ્ત્રાલના બે યુવાનોનાં મોત : ત્રણ ઘાયલ
ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે
લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે અકસ્માતની ઘટના : ફાયર બ્રિગેડ કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢયા
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી
છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત ચિલોડાથી નરોડા જવાના માર્ગ
ઉપર લીંબડીયા નર્મદા કેનાલ પાસે સર્જાયો હતો. જે ઘટનાની મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના વાલ ખાતે સૂર્યમ રેસીડેન્સીમાં રહેતા વિજયકુમાર મનહરલાલ જાગેટિયા અને
દીપેશ રાજુભાઈ રામદાણી તેમજ તેમની સાથે રહેલા ભાવનાબેન વિજયભાઈ જાગેટિયા તેમજ
સોનલબેન સંદીપકુમાર જાગેટીયા અને એક વર્ષનું બાળક રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં
હાજરી આપવા માટે ગયા હતા અને જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મોડી
રાત્રે તેમની કાર મોટા ચિલોડા થઈ નરોડા તરફ જવા રવાના થઈ હતી. આ સમયે હાઇવે ઉપર
લીંબડીયા નર્મદા કેનાલ પાસે એક ટ્રક રોડ ઉપર ઉભો હતો. જેની પાછળ કાર ધડાકાભેર ઘૂસી
ગઈ હતી અને તેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તેમજ વાહન ચાલકો દોડી
આવ્યા હતા અને કારમાં સવાર બે મહિલા અને બાળકને મહામુસીબતે બહાર કાઢીને સારવાર
માટે મોકલી આપ્યા હતા. બીજી બાજુ કારની આગળની બાજુએ સવાર વિજયભાઈ અને દીપેશભાઈને
બહાર કાઢવા મુશ્કેલ બન્યા હતા. જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી
હતી અને ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો ત્યારબાદ કારના પતરા આપીને બંનેના
મૃતદેહના બહાર કાઢયા હતા હાલ આ મામલે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ
શરૃ કરવામાં આવી છે.