જામનગરના બે યુવકોએ રૂ. 2.40 લાખ ખર્ચીને લગ્ન કર્યા પછી છેતરપિંડીનો શિકાર
અમદાવાદથી જામનગર પહોંચે તે પહેલાં સરખેજ પાસેથી બન્ને નવવધુઓ ફરાર : લગ્ન કરનાર બંને યુવતીઓ રસ્તામાં હાઇવે હોટલ પર ફ્રેશ થવા માટે ઉતર્યા પછી ત્યાં અગાઉથી ઉભેલી કારમાં નાસી છૂટી
જામનગર, : જામનગરના બે યુવકોએ મેરેજ બ્યુરો સંચાલિકા સહિતનાની મદદથી રૂપિયા બે લાખ ચાલીસ હજારનો ખર્ચ કરીને અમદાવાદ ખાતે લગ્ન કરી યુવતીઓને જામનગર લઇ આવતી વખતે બંને યુવતીઓ રસ્તામાં હાઇવે હોટલ પર ફ્રેશ થવાના બહાને કારમાંથી ઉતર્યા પછી નાસી છૂટતાં બંને યુવકો છેતરપિંડીના શિકાર બનતા ફરિયાદ નોંધાવાઇ હતી.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વસવાટ કરતા મીનાબેન શાહ નામના મહિલાનો જગદીશ સંઘાણી નામના યુવકે લગ્ન માટે સંપર્ક કર્યો હતો. આ મહિલા એ લગ્ન કરાવી આપવા માટે વાત કર્યા પછી જગદીશ નો કરજણના મેરેજ બ્યુરોવાળા સરોજબેનનો સંપર્ક કરાવ્યો હતો. તેમને જગદીશ અને દીપક નામના બે યુવાનો માટે છોકરી બતાવવા માટે કહ્યું હતું.
ત્યારપછી બન્ને યુવાનોને કેટલીક યુવતીઓના ફોટા બતાવવામાં આવ્યા હતા. જેમાંથી જગદીશ અને દીપકે જે યુવતી ગમી હતી. તેની સાથે મળવાની વાત કરતાં ધરમપુર જવાનું કહેવાયું હતું. આથી દીપક, જગદીશ, જગદીશના કાકા, ભાઈ સહિતના વ્યક્તિઓ કારમાં ધરમપુર જવા નીકળ્યા હતા. કરજણના સરોજબેન સંપર્કમાં હતા. તેઓએ અમદાવાદ આવી જવા કહ્યું હતું.
તે પછીઅમદાવાદ જઈ ગણેશ મેરેજ બ્યુરોમાં ત્રણ છોકરી જોઈ હતી. તે પસંદ નહીં પડતાં દીપક અને જગદીશે ના પાડી હતી. તે પછી મેરેજ બ્યુરોવાળા ધવલે ફોન કરીને બીજી બે છોકરીને જોવા આવી જવા કહ્યું હતું. તે બંને યુવતી ગમતાં દીપક તથા જગદીશે હા પાડી હતી. અને ત્યારે જ રૂ. 3 લાખ આપવાનું કહેવાતાં બંને યુવાને લગ્ન માટે ના પાડી દીધી હતી. તે પછી એક યુવતીના લગ્ન માટે રૂ. 1 લાખ 20,000 આપવાનું ઠરાવી દીપકે સીમા નામની યુવતી સાથે, અને જગદીશે કૈલાસ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ વેળાએ રૂ. 2,40,000 ચૂકવી અપાયા હતા. અને અમદાવાદ થી જામનગર આવવા રવાના થયા હતા.
માર્ગમાં સરખેજ પાસે એક હોટલે જમવા માટે કાર ઉભી રખાતાં સીમા તથા કૈલાસે બાથરૂમ જવાનું બહાનુ કાઢી દોડીને હોટલની બહાર જઈ અગાઉ થી ત્યાં ઉભેલી એક કારમાં બેસી ગયા હતા. અને તે કાર રવાના થઈ ગઈ હતી. બંને યુવતીઓ પરત નહીં આવતાં જગદીશ તથા દીપકે હોટલની બહાર જઈ તપાસ કરતા બંને યુવતી કારમાં બેસી ચાલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, અને તે પછી લગ્ન કરાવી આપનાર બ્યુરોવાળા ધવલનો ફોન પણ સ્વિચ ઓફ થઈ જતાં બંને યુવક ને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં જગદીશે આ અંગેની ફરિયાદ કરી છે.