જામજોધપુર પંથકમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ નિપજતાં ગમગીની છવાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. જેમાં ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યા હતા.
પ્રથમ બનાવમાં બગોદરા જિલ્લાના બાસવાડા ગામનો વતની અને હાલ ગીંગણી ગામે ધીરૂભાઈ ફળદુના ડેલામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતો રાજેશ ભૈરાભાઈ ડોડિયા નામનો 19 વર્ષીય કોળી યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને વેણુ નદીના પુલ પાસે પાણીમાં ન્હાવા પડયો હતો. જેમાં વહેતા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મનોહર ભૈરાભાઈ ડોડિયાએ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલ જામજોધપુર નજીકના કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો કરણ જેરામભાઈ નિમાવત નામનો 19 વર્ષીય બાવાજી યુવાન ખોડિયાર મંદિરની પાછળ આવેલ ચેકડેમમાં કપડાં ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. જેથી તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે જેરામભાઈ દામોદરભાઈ નિમાવતએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે