જોડિયાના કેશીયા ગામે ટ્રેક્ટર કાર સાથે અથડાતાં બે યુવાનોનાં મોત
સામેથી ટ્રક આવતા અચાનક બ્રેક મારતા ટ્રેક્ટર પલ્ટી ખાઇ કાર
સાથે અથડાયું
ટ્રેક્ટર પલ્ટી જતાં વ્હીલના પતરાં ઉપર બેઠેલા યુવાનનું પાણીની ટાંકી નીચે દબાઇ જતા મોત, કાર ચાલકે પણ જીવ ગુમાવ્યો
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાન નો વતની
રાકેશ દેવારામ ખટાણા કે જે ફાઇબરનું રોડ પરનું કામ પૂરું કરીને પોતાના ટ્રેક્ટરમાં પાણીની ટાંકી ફીટ કરીને મોરબી તરફ
જઈ રહ્યો હતો. જેમાં પોતાની સાથે મૂળ રાજસ્થાનના વતની એવા મનીષ રામાઅવતાર આદિવાસી
(ઉં.વ.૨૫) ને પોતાની સાથે બેસાડયો હતો. જે ટ્રેક્ટરના વ્હીલના પતરા ઉપર બેઠો હતો.
ટ્રેક્ટર ગઈકાલે સાંજે જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે પહોંચતાં સામેથી એક ટ્રક
આવતો હોવાના કારણે ઓચિંતી બ્રેક મારવાથી ટ્રેક્ટર ઉપરનો કાબુ ગુમાવી બેઠો હતો, અને ટ્રેક્ટર
માર્ગ ઉપર પલટી મારી ગયું હતું.
અકસ્માતમાં પતરા પર બેઠેલો મનીષ આદિવાસી કે જે ટ્રેક્ટરની
પાછળ ફીટ કરેલી પાણીની ટાંકીની નીચે દબાયો હતો. અને તેનું બનાવના સ્થળે કરુણ
મૃત્યુ નીપજ્યું હતું. તેનું માથું ટાંકી નીચે દબાયું હોવાથી માથું ધડથી અલગ થયું
હતું. જેના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત આ સમયે
પાછળ પોતાની કાર લઈને કેશિયા ગામથી જામદુધઈ તરફ જઈ રહેલા રાજેશભાઈ ત્રિકુભાઈ
ગાંભવા ( ઉ.વ.૪૬) કે જેઓ કેશિયા ગામની હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે સરકારી ફરજ બજાવે
છે, જે ફરજ
પૂરી કરીને પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા. જે દરમિયાન અકસ્માતે ટ્રેક્ટર પલટી
મારીને કાર સાથે ડ્રાઇવરની સાઈડમાં ટકરાઈ ગયું હતું અને રાજેશભાઈને પણ હેડ એન્જરી
સહિતની ગંભીર ઈજા થતાં હેમરેજ થવાથી તેઓનું પણ ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું
હતું.
આમ આ અકસ્માતમાં એક સાથે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા.
જો કે ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો હતો,
અને તેને માત્ર સામાન્ય ઇજા થઈ હતી. આ અકસ્માતના બનાવની જાણ થવાથી જોડિયાના
પીએસઆઇ આર.એ. રાજપુત તેમજ સ્ટાફના એન. એમ. ભીમાણી વગેરે તાત્કાલિક અસરથી ઘટના
સ્થળે દોડી ગયા હતા, અને બંને
મૃતદેહો નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના
બનાવ અંગે સરકારી કર્મચારી રાજેશભાઈ ગાંભવાના ભત્રીજા યોગેશભાઈ મનસુખભાઈ એ
ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે ટ્રેક્ટરના ચાલક રાકેશ દેવારામ
ખટાણા સામે ગુનો નોંધ્યો છે,
અને ટ્રેક્ટર કબજે કર્યું છે.
અકસ્માતના બનાવ બાદ માર્ગ પર લોકોના ટોળા એકત્ર થયા હતા, તેમજ થોડો સમય
માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઇ હતી,
પરંતુ પોલીસે સમયસર રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહારને પૂર્વવત બનાવી દીધો
હતો. કેશિયા ગામની શાળાના સરકારી
કર્મચારીના મૃત્યુને લઈને તેની બે માસુમ પુત્રીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે, જેથી પરિવારમાં
ભારે આપત્તિ આવી પડી છે.