મુંબઇમાં બે ફ્લેટનો સોદો કરી 34લાખ પડાવનાર વડોદરાના બે યુવકો પકડાયા
વડોદરાઃ મુંબઇના મીરાંરોડ વિસ્તારની ઓફિસમાં મીટિંગ કરી બે ફ્લેટનો સોદો કરવાના નામે ૩૪ લાખની ઠગાઇ કરવાના કિસ્સામાં સંડોવાયેલા વડોદરાના બે શખ્સને પોલીસે ઝડપી પાડી મુંબઇ પોલીસને જાણ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ,મુંબઇમાં ફ્લેટ ખરીદવા માંગતા એક ઇન્વેસ્ટરે વર્ષ-૨૦૨૪માં સોશ્યલ મીડિયા પર બાન્દ્રાના ફ્લેટના ફોટા સાથેની જાહેરાત જોઇ મોબાઇલ પર સંપર્ક કર્યો હતો.
જેથી શાહનવાજ ઉર્ફે ભગવાનજી મિશ્રા તેમજ સાકીર ઉર્ફે મોઇઝે મીરો રોડ ખાતેની ઓફિસે મીટિંગ કરી હતી.ઇન્વેસ્ટરે બે ફ્લેટ પસંદ કરી રૃ.૬૫ લાખમાં સોદો કર્યો હતો.પરંતુ ત્યારબાદ બંને આરોપીએ ફ્લેટ નામે કરવા માટે વાયદા કરવામાં આવતા હતા અને રૃ.૩૪લાખ લઇ ફરાર થઇ જતાં ઇન્વેસ્ટરે થાણેના નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી શાહનવાજ ઉર્ફે શાહુ મહેબૂબ યુસુફ શેખ ઉર્ફે ભગવાનજી મિશ્રા (ખુશ્બૂ નગર,તાંદલજા) અને સાકીર અહેમદ સિંધી ઉર્ફે મોઇઝ સબ્બીર મંસુરવાલા(પત્રકાર કોલોની,તાંદલજા)ને ઝડપી પાડયા છે.