વિદેશ જવાનો મોહ રાખતાં લોકો ચેતી જજો, બે યુવકોએ નોકરીની લાલચમાં રૂ. 9 લાખ ગુમાવ્યા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
 accused


Fraud In Palanpur: પાલનપુરના મલાણા અને દેવપુરા ગામના બે યુવકોએ સિંગાપુરમાં માસિક બે લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં 9.30 લાખ ગુમાવ્યા છે. જેમાં પાલનપુરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા ચિરાગ ગાંભવા વિરુદ્ધ સિંગાપુરમાં નોકરી ન આપવા અને બન્ને યુવકોના પૈસા પરત ન આપવા બદલ તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 

બે યુવાનોએ 9.30 લાખ રૂપિયા ગુમાવ્યા 

પાલનપુર તાલુકાના મલાણા ગામે રહેતાં મિતુલ મેવાડાને હાર્દિક પ્રજાપતિએ કહ્યું કે, 'મારા મિત્ર ચિરાગ ગાંભવાની સિંગાપુરમાં લોજિસ્ટિકની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની ચાલે છે. તારે સિંગાપુર જવું હોય તો કહેજે.' જેને લઈને આ યુવકે સિંગાપુર જવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ ચિરાગ ગાંભવાએ મિતુલ મેવાડા સાથેની મુલાકાત બાદ સિંગાપુરના વિઝા, ટિકિટ અન્ય ખર્ચ સહિત 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં મિતુલ મેવાડાએ તબક્કાવાર 6 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં આ યુવક દેવપુરાના ચિંતન પ્રજાપતિ સાથે સિંગાપુર ગયા હતા.

આ પણ વાંચો: ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ 12 હજાર કરોડના ખર્ચે દૂધ પીવડાવ્યું છતાંય કુપોષણમાં ગુજરાત મોખરે

સિંગાપુરમાં આ બન્ને યુવકને કંપનીમાં નોકરીમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ આ કંપની 5 દિવસમાં બંધ થઈ ગઈ હતી. જેને લઈ ચિરાગ ગાંભવાએ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં વિઝિટર વિઝા માટે બીજા દેશમાં મોકલીને ફરી પરત સિંગાપુરના ખોટા વિઝા મોકલ્યા હતા. પરંતુ સિંગાપુર ઍરપોર્ટ ઉપર આ બન્ને યુવકોને પકડી ઝડપી લીધા બાદ ભારત પરત મોકલવામાં આવ્યા હતા. જો કે, આ બે યુવકો પાસેથી 9.30 લાખ લીધા બાદ સિંગાપુરમાં નોકરી ના આપવા બદલ તેમજ તેમને પૈસા પરત ના કરતાં ચિરાગ ગાંભવા સામે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાઈ છે.

વિદેશ જવાનો મોહ રાખતાં લોકો ચેતી જજો, બે યુવકોએ નોકરીની લાલચમાં રૂ. 9 લાખ ગુમાવ્યા 2 - image


Google NewsGoogle News