નર્મદ યુનિ.માં ફોરેન લેંગ્વેજ કોર્સ માટે બે વર્ષ પહેલા નિર્ણય બાદ ડબ્બો થઇ ગયો હતો
- રેગ્યુલેટરી બોર્ડની રચના કરી સિન્ડીકેટમાં ભલામણ થઇ હતી
પણ આંતરીક રાજકારણમાં અટવાઇ હતી,
વડાપ્રધાનની ટકોર ફટાફટ નિર્ણય
સુરત
છેલ્લા બે વર્ષમાં નર્મદ યુનિવર્સિટી દ્વારા ૨૦૦ થી વધુ સર્ટિફિકેટ કોર્સિસ શરૃ થયા, પરંતુ બે વર્ષ પહેલા ફોરેન લેગ્વેજીસ કોર્સ માટે નિર્ણય લેવાયો હોવાછતા શરૃ થઇ શકયા ના હતા. અને યુનિવર્સિટીના રાજકારણના ડબ્બામાં બંધ થયેલા આ કોર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટકોર કરતા અચાનક ખુલ્યા છે. અને આજે તાબડતોડ એકેડમીક કાઉન્સીલની બેઠક બોલાવીને વિવિધ કોર્સ શરૃ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી.
ડાયમંડ બુર્સના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ વિભિન્ન ભાષામાં ઇન્ટરપીટર કોર્સ શરૃ કરવા માટે ટકોર કરાઇ હતી. જેને લઇને આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા તત્કાળ એકેડમીક કાઉન્સીલની બેઠક બોલાવાઇ હતી. આ બેઠક રાજય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રથમ સત્રથી અંગ્રેજી વિભાગમાં ે સેન્ટર ફોર ફોરેન લેગ્વેજીસની સ્થાપના કરવા અને વિવિધ અભ્યાસક્રમો શરૃ કરવાનું ઠરાવ્યુ હતુ. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ સત્રથી વિવિધ અભ્યાસક્રમ મંજુર કરી કોર્સ( પેપર તરીકે ) ઓફર કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં જરૃરી વિઝીટીંગ ફેકલ્ટીની નિમણુંક તથા તેઓને ચૂકવવાનું મહેનતાણુ નક્કી કરવા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ચીજવસ્તુઓ અને પુસ્તકો વગેરે માટે જરૃરી બજેટ ફાળવવાનું નક્કી કરાયુછે. ટુંકમાં વિવિધ ભાષાઓના ઇન્ટરપ્રિટર તરીકેનું જ્ઞાાન અને કૌશલ્યના વિકાસ થાય તેવા સ્ટેન્ડઅલોન સર્ટિફિકેટ અને ડીપ્લોમાં કોર્સ શરૃ કરવાનો નિર્ણય લેવાયો હતો. અને આ બાબતે સુધારા-વધારા કરવા માટે કુલપતિને સતા આપવામાં આવે છે.અને સિન્ડીકેટમાં જાણ કરવાનું નક્કી કરાયુ હતુ. તેમજ કોર્સોના સંચાલન માટે ૧૧ સભ્યોની સમિતીની નિમણુંક કરવામાં આવી છે.
શિક્ષણવિદો જણાવે છે કે જો નર્મદ યુનિવર્સિટીના સતાધીશો ધારતે તો બે વર્ષ પહેલા જ આ કોર્સિસ શરૃ કરાવી શકતે. ૨૦૨૧ માં મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં ફોરેન લેગ્વેજના સર્ટિફિકેટ કોર્સ શરૃ કરવાનો નિર્ણય લઇને રેગ્યુલેટરી બોર્ડની રચના કરવા સિન્ડીકેટને ભલામણ કરવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ આ કોર્સિસ શરૃ કરવા માટે યુનિવર્સિટીના રાજકારણમાં અટવાઇ જતા આખરે વડાપ્રધાનની ટકોર બાદ બે વર્ષ પછી ખુલ્યુ છે. શિક્ષણવિદો તો ત્યાં સુધી કહે છે કે જો યુનિવર્સિટીમાં મહેદી કોર્સિસ શરૃ થતા હોય તો આ કોર્સ કેમ શરૃ ના થયા તે અંગે યુનિવર્સિટીના સતાધીશોએ પણ ખુલાસો કરવો જોઇએ.
આ ફોરેન લેંગ્વેજના સર્ટિફિકેટ કોર્સ શરૃ થશે
જર્મન, ફેન્ચ, સ્પેનીસ, ચાઇનીઝ, જાપાનીઝ,
ડચ, સ્વીડીશ, ફીન્નીશ
કોરીયન લેગ્વેજીસના કોર્સ શરૃ કરાશે.