સયાજી હોસ્પિટલમાં રાજકોટની બે વર્ષની બાળકીની સફળ સર્જરી થતા બોલતી થઇ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં રાજકોટની બે વર્ષની બાળકીની સફળ સર્જરી થતા બોલતી થઇ 1 - image


Image Source: Twitter

- રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં શરૂઆતમાં દાખલ કરાઇ હતી

વડોદરા, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં સાજી નહીં થનાર બાળકીને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં  આવી હતી. જ્યાં ઇએનટી વિભાગના ડોક્ટર્સની ટીમે સર્જરી કરી બાળકીની તકલીફ દૂર કરી છે.

રાજકોટની બે વર્ષની બાળકીને અમદાવાદની હોસ્પિટલમાંથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જન્મથી જ બાળકીનો અવાજ નીકળતો નહતો. છ મહિનાની ઉંમરે બાળકીને બ્રોંકોનિમોન્યા થવાથી વેન્ટિલેટરી સપોર્ટ માટે ગળામાં ટયૂબ ( ટ્રેક્યોસ્ટોમી) નાંખવામાં આવી હતી. દર્દીની હાલત સુધર્યા પછી તપાસમાં જન્મજાત ગ્લોટિક વેબ ( સ્વર તંતુ પરનો પડદો) હોવાનું નિદાન થયું હતું.નિદાન  થયા પછી બાળકીને રાજકોટ અને અમદાવાદમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. છતાંય ગળાની નળી નીકળી શકી નહતી. એટલે દર્દીને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

ઓગસ્ટ મહિનામાં બાળકીને લઇને તેના માતા - પિતા સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. ઇ.એન.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા દૂરબીન અને કોબલેટરનો ઉપયોગ કરીને વેબને ઓપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પેશ્યલ લેરીંન્જીયલ બલૂન કેથેટરથી પહોળું કરાયું હતું. સ્વર તંતુનો પડદાવાળો ભાગ  પહોળો કર્યા પછી ગળાની નળી કાઢી નાંખવામાં આવી હતી. તેનાથી બાળકી સામાન્ય રીતે શ્વાસ લેતી અને બોલી શકતી થઇ.

સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં આવા ૧૦ ઓપરેશન સફળતા પૂર્વક થયા છે. અત્યાધુનિક ટેકનોલોજીવાળા સાધનોના કારણે સયાજી હોસ્પિટલમાં આ વર્ષે કુલ ૩૦ ઓપરેશન શ્વાસ નળીને લગતા થયા છે.



Google NewsGoogle News