ભાવનગરમાં દુર્ઘટના સર્જાઈ, ભઠ્ઠીમાંથી લોખંડનો ગરમ રસ ઉડતા બે શ્રમિકોના મોત, ત્રણની હાલત ગંભીર
લોખંડ ઓગાળી સળિયા બનાવતી વખતે ફર્નેસ પ્લાન્ટમાંથી પાંચ શ્રમિકો પર લાવા ઉડ્યો
ભાવનગર,ગુરુવાર
સિહોર તાલુકાના નેસડા રોડ પરની જીઆઇડીસીમાં કાર્યરત રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા લી. નામની ફેક્ટરીમાં રાત્રિ દરમિયાન ફર્નેશ પ્લાન્ટમાં લોખંડ ઓગાળવાની કામગીરી થઇ રહી હતી તે વેળાએ ભઠ્ઠીમાંથી મેલ્ટ થયેલું લોખંડ કામ કરી રહેલા શ્રમિકો પર ઉડ્યું હતું. અને પાંચ શ્રમિકો ગંભીર પણે દાઝી ગયા હતા. જેમાં એક શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર શ્રમિકોને તત્કાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્રણ શ્રમિકો હાલ સારવાર હેઠળ છે.
ભઠ્ઠીમાંથી અંગાર જેવો લોખંડનો રસ શ્રમિકો પર ઉડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સિહોર તાલુકાના નેસડા રોડ પરની જીઆઇડીસીમાં કાર્યરત રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા લી. નામની સળિયા બનાવવાની ફેક્ટરીમાં ગઈ મોડી રાત્રી દરમિયાનફર્નેશ પ્લાન્ટમાં લોખંડ ઓગાળી સળિયા બનાવવાની કામગીરી શ્રમિકો દ્વારા થઈ રહી હતી. તે દરમિયાન લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી મેલ્ટ થયેલો લોખંડનો રસ અચાનક ઉડ્યો હતો. અને કામ કરી રહેલા પાંચ શ્રમિકો પર આ રસ પડ્યો હતો.
લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાંથી અંગાર જેવો લોખંડનો રસ શ્રમિકો પર પડતા પાંચ શ્રમિકો ગંભીર પડે દાજી ગયા હતા. જ્યારે એક શ્રમિક રતિરામ રામદુલારેનું સ્થળ પરજ મોત થયું હતું. રામ કિશોર નંદલાલ પંડિત, રાજુભાઈ, તુલસીરામ વિશાલરામ , અને પરસોત્તમ મુન્નાભાઈ ચૌહાણને ગંભીર હાલતે કંપનીના વાહનમાં સિહોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા ચારેય શ્રમિકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વઘુ એક શ્રમિક પરસોત્તમ મુન્નાભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને કંપનીના શ્રમિકો અને કંપનીના મેનેજર સહિત કર્મચારીઓ હોસ્પિટલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.અને હાલ ત્રણ શ્રમિકો સારવાર હેઠળ છે.