માણસાના ખરણામાં દિવાલ ધસી પડતા બે શ્રમિકનાં મોત
દોઢ મહિનાથી માતાજીના નવા મંદિરનું કામ ચાલતું હતું
ત્રણ શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા ઃ એકને ઇજાઓ પહોંચતાં અમદાવાદ સિવિલ ખસેડાયો
માણસા : માણસા તાલુકાના ખરણા ગામે છેલ્લા દોઢ મહિનાથી મેલડી માતાજીના નવીન મંદિરનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે સવારે બાંધકામ સમયે બાજુના મકાનની કાચી દિવાલ ઘસી પડતા અહીં કામ કરી રહેલ ત્રણ મજૂરો દિવાલ નીચે દટાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક ઇજાગ્રસ્ત ને ગોજારીયા લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું તો અન્ય એકને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું છે જે બાબતે માણસા પોલીસે તપાસ હાથ ધરી છે.
માણસા તાલુકાના ખરણા ગામે આવેલ મેલડી માતાજીના નવીન મંદિરના
બાંધકામનું કામ છેલ્લા દોઢ મહિનાથી ચાલી
રહ્યું છે અને અહીં આજે કામ કરી રહેલા સાત શ્રમિકો પૈકી ત્રણ શ્રમિકો દિવાલનું
કામકાજ કરી રહ્યા હતા તે વખતે બાજુમાં આવેલ એક મકાનની કાચી દિવાલ એકાએક આ શ્રમિકો
પર ઘસી પડતા તેની નીચે ત્રણ દટાયા હતા ત્યારે એ વખતે ભારે હોબાળો થતા આજુબાજુથી
દોડી આવેલા લોકોએ દિવાલનો ભાગ હટાવી જોતા ત્રણ પૈકી એક શ્રમિક અનુરાગ વિશ્રામ
ડામોર ઉંમર વર્ષ ૨૨ રહે જીલ્લો ઉદેપુર રાજસ્થાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
તો અન્ય એક નારાયણભાઈ કાંતિલાલ ખરાડી ઉંમર વર્ષ ૩૨ રહે જિલ્લો ઉદયપુર રાજસ્થાનને
તાત્કાલિક સારવાર માટે ગોજારીયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જેનું પણ સારવાર
દરમિયાન મોત નીપજ્યું હતું તો અન્ય એક સુરેશ ધર્મા આહારી રહે જિલ્લો ઉદયપુર રાજસ્થાનને
પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે જે બાબતની
માણસા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવી
કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.