કાલાવડ નજીક ટુ વ્હીલર અને આઇસર વાહન વચ્ચેના અકસ્માતમાં ફિમેલ હેલ્થ વર્કર સહિત બે મહિલાઓ ઘાયલ
Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ વિસ્તારમાં એક સ્કૂટર તેમજ આઇસર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બે મહિલાઓને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આઈસર વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતા અને ફીમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા દક્ષાબેન ભુપેન્દ્રભાઈ રાખસિયા, કે જેઓ પોતાના ટુ વ્હીલરમાં ભારવીબેન નામના અન્ય મહિલાને બેસાડીને કાલાવડ રાજકોટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એક આઇસરના ચાલકે તેઓને ઠોકર મારતાં બંને મહિલાઓને નાની મોટી ઈજા થઈ હોવાથી કાલાવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.
આ અકસ્માતના બનાવ અંગે આઇસરના ચાલક કુવાડવા ગામના રામભાઈ ભવાનભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.