કઠલાલ પાસે ટ્રેલરની અડફેટે ટુ-વ્હીલર ચાલકનું મોત
- ટ્રેલર ચાલક સામે ગુનો
- ટ્રેલર ફરી વળતા ઝાલભાઈની મુવાડીના વકીલના શરીરના બે ભાગ થઈ ગયા
કઠલાલ : કઠલાલ-નડિયાદ રોડ પર કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રેલરની અડફેટે ઝાલભાઈની મુવાડીના એક્ટિવા ચાલક વકીલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
ચાલક પર ટ્રેલર ફરી વળતાં વ્યક્તિના શરીરના બે ભાગ થઈ ગયા હતા. ગમખ્વાર અકસ્માત અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝાલભાઈની મુવાડીમાં રહેતા વકીલ અરવિંદભાઈ ધનાભાઈ ચૌહાણ સોમવારે સવારે કઠલાલથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા ટ્રેલર ચાલકે પુરઝડપે ઓવરટેક કરવા જતા તેમની એક્ટિવાને અડફેટે લીધી હતી. ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલક અરવિંદભાઈ ટ્રેલરના વચ્ચેના વ્હીલમાં આવી જતાં તેમના શરીરના બે ભાગ થઈ ગયા હતા. તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અંગે કઠલાલ પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.