વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠીયા સોનાનો ચેઇન લઈને ફરાર
શહેરના જ્વેલ્સ સર્કલ પાસે બન્યો બનાવ
મહિલા મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે શખ્સ કાળા કરી ગયા
ભાવનગર: શહેરના જ્વેલ્સ સર્કલ,ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા ઘર પાસે આવેલ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા ત્યારે એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ મહિલાને વાતોમાં ભોળવી સોનાનો ચેઇન લઈને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના જ્વેલ્સ સર્કલ પાસે આવેલ ગૌરીશંકર સોસાયટીમાં રહેતા વૃદ્ધા લલિતાબેન શાંતિભાઈ જોશી ગત સોમવારે સવારે ઘર નજીક આવેલ મંદિરે દર્શન અને પૂજા કરવા માટે ગયા હતા તે દરમિયાન સફેદ કલરની નંબર પ્લેટ વગરના એકટીવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખોડીયાર મંદિર જવા માટે પૂછપરછ કરી મહિલાને વાતોમાં ભોળવ્યા હતા અને વૃદ્ધાએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કિં.રૂ.૫૦,૭૯૨ જોવા માટે માંગી વાતોમાં ભોળવી ચેઇન લઈને એકટીવા સ્કૂટર ઉપર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે લલિતાબેન શાંતિભાઈ જોશીએ બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં બેઅજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચેન ચોરી તડફાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.