જામનગરમાં લીલા નારીયેળની આડમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા બે વેપારી પકડાયા : અન્ય ૩ ના નામ ખુલ્યા
Jamnagar Liquor Crime : જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર આવેલી નારિયેળ પાણીના વેચાણની દુકાનમાં બે દુકાનદારો ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 89 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડ્યો છે, અને બે દુકાનદારોની અટકાયત કરી છે. જ્યારે તેઓને દારૂ સપ્લાય કરનાર અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગોકુલનગર રડાર રોડ વિસ્તારમાં એક ફાસ્ટફૂડની બાજુમાં નાળિયેર પાણીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં લીલા નાળિયેરની આડશમાં ગેરકાયદે રીતે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન દુકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડની 89 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 44,500 ની કિંમતની 89 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે બે આરોપીઓ રીતીકભાઇ વિજયભાઇ ભારાવાળા (રહે. ઇન્દીરા સોસાયટી શેરી નં-5) તેમજ ધનરાજભાઈ પ્રવિણભાઇ બારૈયા (રહે. રંગમતી પાર્ક શેરી નં.5) ને ઝડપી લીધા છે, જ્યારે તેઓને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કિસાન ચોક વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ, ઉપરાંત હિતેશ બાંભણિયા અને ઉમેશ ઉર્ફે બાબુ નાખવાને ફરારી જાહર કરાયા છે.