નડિયાદના બે કિશોરો રહસ્યમય ગુમ થતા અપહરણની ફરિયાદ
ભાણિયા પાસે રહેલો મામાનો મોબાઈલ પણ બંધ
નડિયાદ: નડિયાદ શહેરમાં પતંગ ચગાવવા ગયેલા શ્રમજીવી પરિવારના બે કિશોરો ગુમ થતાં તેમના પરિવાર ચિંતામાં મુકાયા છે. આ બનાવ અંગે ગુમ થયેલા બાળકોના પરિવારજને ફરિયાદ નોંધાવતા નડિયાદ ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી બંને બાળકોને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. કઠલાલ તાલુકાના નવા તાતણિયામાં રહેતા બાબુભાઈ ભીખાભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જે પૈકી દીકરો સુરેશ (ઉં.વ.૧૫) બાબુભાઈના નડિયાદ માહિતી ભવનના કાંસ ખાતે રહેતા સાળા વિજયભાઈ રામાભાઈ ચુનારા સાથે રહે છે. ગત તા.૨૯મી ડિસેમ્બરે વિજયભાઈએ બાબુભાઈને ફોનમાં જણાવ્યું હતું કે, તમારો દીકરો સુરેશ અને અમારી બાજુમાં રહેતો નરસિંહભાઈ વસાવાનો દિકરો હરેશ (ઉં.વ.૧૨) પતંગ ચગાવવા ગયા બાદ બંને બાળકો ગુમ થયા છે. જેમાં સુરેશ તેના મામા વિજયભાઈનો મોબાઈલ લઈને ગુમ થયો હતો. જેને ફોન કરતા ઉપાડતો ન હતો બાદમાં સાંજે ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. બંને કિશોરો રહસ્યમય રીતે સાથે ગુમ થતા ચિંતા વ્યાપી છે. આ બનાવ સંદર્ભે બાબુભાઈ ભીખાભાઈએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.