ભરૃચમાં ૧૭ વર્ષની કિશોરી ઉપર બે ટીનેજરનું સામૂહિક દુષ્કર્મ
બંને કિશોરોએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો ઃ માતા-પિતા પાસે વીડિયો આવતા ભાંડો ફૂટયો
ભરૃચ તા.૧૭ ભરૃચની એક સોસાયટીમાં મામાના ઘેર લગ્નમાં આવેલી ૧૭ વર્ષની સગીરા સાથે પાડોશી ૧૪ અને ૧૫ વર્ષના બે કિશોરે વારાફરતી દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ ઘટના સગીરાના પરિવાર સમક્ષ આવતા પોલીસે વીડિયોમાં જણાતા બે કિશોર સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતા મામાના ઘેર લગ્ન હોવાથી સોસાયટીમાં અન્ય મકાનમાં રહેવા માટે પરિવારના સભ્યો સાથે આવી હતી. ૧૭ વર્ષની સગીરા ઘેર એકલી હતી ત્યારે પાડોશી કિશોરો પાણી પીવાના બહાને ઘેર આવ્યા હતાં. આ વખતે પ્રથમ વખત ૧૫ વર્ષના કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું તેનો વીડિયો તેના ૧૪ વર્ષના મિત્રે મોબાઇલમાં કેદ કર્યો હતો. ત્યારબાદ ૧૪ વર્ષના કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ૧૫ વર્ષના કિશોર મિત્રએ તેનો પણ વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો.
તા.૪ ફેબુ્રઆરીના રોજ સગીરા નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી ત્યારે ૧૫ વર્ષના કિશોરે તેણીને રસ્તામાં રોકી નવા મકાનના બાંધકામ સ્થળે લઇ જઇ ત્યાં સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું તેનો વીડિયો પણ મોબાઇલમાં ઉતાર્યો હતો. આ ઘટનાથી સગીરા ડઘાઈ ગઈ હોવાથી પરિવારને વાત કરવાનું ટાળ્યું હતું.
મોબાઇલમાં કેદ કરેલો અશ્લિલ વીડિયો બંને કિશોરે એકબીજાને બતાવી શેર કરવાનું શરૃ કર્યું હતું. આ વીડિયો બંનેએ પાડોશી મિત્રને પણ બતાવતા તેણે આ વીડિયો સગીરાના પિતાને તેના ઘરે જઈ બતાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ અંગે ભરૃચ એ ડીવીઝન પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ બંને કિશોર સામે બળાત્કાર, પોકસો,એટ્રોસિટિ અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા બંને કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.