તાપીના વ્યારામાં આચાર્યની ક્રૂરતા, એક મહિનાની બાકી ફી માટે બે વિદ્યાર્થીને તડકામાં ઊભા રાખ્યા
Representative image |
Strict Punishment For Students In Tapi: તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં બે બાળકો ની માત્ર એક માસ ડિસેમ્બરની ફી ભરવાની બાકી હતી. જે અંગે વાલીને જણાવવાને બદલે પ્રિન્સિપાલે બાળકોને દંડિત કરી તડકામાં ઊભા રાખ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભૂલકાઓ પર થયેલા અત્યાચારની રાવ શિક્ષણ વિભાગમાં પણ કરવામાં આવી હોવાનું જાણમાં આવ્યું છે.
બાળકોને બપોરે દોઢ કલાક તડકામાં ઊભા રાખ્યા
વ્યારાનગરની મધ્યમાં આવેલી ખુ.મા. ગાંધીશાળામાં અભ્યાસ કરતા એક જ પરિવારના ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા બે બાળકોને વાલીએ સમય પર માત્ર એક માસ ડિસેમ્બર 2024ની ફી ન ભરતા બાળકોને દંડિત કરવામાં આવ્યા છે. વાલીએ જે બાબતે વાલીએ આક્ષેપ કર્યો છે કે, 29 જાન્યુઆરીના રોજ આચાર્ય દ્વારા બાળકોને બોલાવી ગયા માસની ફી કેમ નથી ભરતા? કહી, શિક્ષકને આદેશ કરી બંને બાળકોને બપોરે દોઢ કલાક ગ્રાઉન્ડમાં ખુલ્લા તડકામાં ઊભા રાખવામાં આવ્યા હતા. જેને લઈ બાળકોનું માથું પણ દુઃખતું હતું.
રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને હેરાન ન કરવા સૂચના
માત્ર એક માસની ફીને લઈને થયેલા વિવાદને પગલે વાલી દ્વારા શિક્ષણ વિભાગને પણ જાણ કરી હોવાનું તથા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે. જો કે, વ્યારા પંથકમાં ચર્ચાના ચકડોળે ચઢેલા ઉપરોક્ત મામલે શાળા સંચાલકો કે સંસ્થા દ્વારા હજુ કોઈ નિવેદન આવ્યું નથી. જેને લઇ સંસ્થાના સંચાલકોએ નીચું જોવાનું થયું છે. રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ ફી મુદ્દે વાલીઓ,કે વિદ્યાર્થીઓને હેરાન ન કરવા સૂચના આપવામાં આવી છે. શાળા દ્વારા પણ વાલીઓ સંપર્ક કરવા જણાવ્યું છે. તેમ છતાં આવી ઘટનાઓ બનતી રહે છે.
વ્યારાની પ્રાથમિક શાળામાં ફી મુદ્દે બે વિદ્યાર્થીને દંડિત કર્યાની ઘટના પ્રકાશમાં આવતા આર.એફ.ડાબું કેળવણી મંડળના પ્રમુખ મહેશ અફીણવાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ખુ.મા.ગાંધી શાળાના આચાર્ય જોડે વાત થઈ હતી. જેમાં બાળકોને તડકે ઊભા રાખવાની કોઈ સજા થઈ નથી. જે બાળકોની ફી બાકી હોય, તમને પરીક્ષાના પેપર બતાવવામાં આવતા નથી. જેથી બન્ને બાળકોને ઓફિસ બહાર બાંકડા પર બેસવા જણાવ્યું હતું. જ્યાંથી બાળકો રમવા નીકળી ગયા હશે. આ પરિવારનું એક બાળક સંસ્થાની બીજી શાળામાં અભ્યાસ કરે છે. તેને ફી માફી નો લાભઆપવામાં આવ્યો હોવાનું જણાવી વાતને રડયો આપ્યો છે.'