કતારગામ GIDCમાં બે માળનું એમ્બ્રોઇડરી કારખાનું પત્તાના મહેલની જેમ ધરાશયી
- બીજા અને પહેલા માળે મુકેલા એમ્બ્રોઇડરી મશીનો ગ્રાઉન્ડ ફલોર પર પડયા ઃ મકાન ધુ્રજતા ૮ કારીગરો બહાર નીકળી જતા આબાદ બચાવ
- મકાનના પોપડા પડતા જોઇને બહાર શાકપુરીની લારીવાળાએ બુમાબુમ કરતા કારીગરોનો જીવ બચ્યો
સુરત, :
સુરતમાં કતારગામ નવી જી.આઇ.ડી.સીમાં આજે ગુરુવારે સવારે બે માળનું એમ્બ્રોઇડરી કારખાનું પત્તાના મહેલની જેમ કડકભુસ થઈ જવા પામી હતી. જોકે બીજા અને ત્રીજા માળે મુકેલા એમ્બ્રોઇડરી મશીન સાથે જુની જર્જરિત થયેલુ કારખાનું ધરાશાયી થઇને ગ્રાઉન્ડ ફલોર પડયુ હતુ. જેથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે સદ્નસીબે આ દુર્ઘટનામાં ૮થી ૧૦ કારીગરો બહાર નીકળી જવાથી ઇજા કે જાનહાનિ થઇ ન હતી.
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત કતારગામમાં નવી જી.આઈ.ડી.સીમાં હનુમાનમંદિર પાસે આવેલા બે માળ ઉપર એમ્બ્રોઇડરી કારખાનું ધમધમતું હતું. બીજા માળે ૧૦ જેટલા મશીન તથા પહેલા માળે પણ ૧૦ જેટલા મશીન અને ગ્રાઉન્ડ ફલોર પર પણ મશીન મુકવામાં આવેલા હતા. આજે સવારે કારખાનામાં ૮થી૧૦ જેટલા કારીગરો કામ કરતા હતા. તે સમયે અચાનક કારખાનામાં થી પોપડા પડવા લાગ્યા હતા. જેથી કારખાનાની બાજુમાં શાકપુરીની લારી વાળાએ જોરજોરથી બુમો પાડતા ત્યાં કારતા કારીગરો તરત બહાર દોડી આવ્યા હતા. બાદ ગણતરીના સમયમાં બીજા માળ અને પહેલા માળે મશીન સાથે ગ્રાઉન્ડ ફલોર પર કાટમાળ સાથે જોતજોતામાં જ જમીનદોસ્ત થઈ ગઈ હતી અને મશીન કાળમાળ નીચે દબાઇ ગયા હતા.
આ બનાવમાં લીધે આસપાસ આવેલા ખાતાના કારીગરો સહિતના લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી અને ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઇ ગયુ હતું. કોલ મળતા બે ફાયર સ્ટેશના લાશ્કરો ત્યાં ધસી ગયા રોડ પર પડતા કાટમાળ ખસડવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. જોકે આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસર રમેશ સેલરે કહ્યુ હતું. ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ ગયો છે.