વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્રકે ટક્કર મારતાં મોત, 10 વર્ષ માટે જવાની હતી અમેરિકા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્રકે ટક્કર મારતાં મોત, 10 વર્ષ માટે જવાની હતી અમેરિકા 1 - image


Vadodara Road Accident : કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રકની અડફેટે મોપેડ પર જતી બે બહેનોને ઇજા થઇ હતી. જે  પૈકી એક બહેનનું મોત થયું હતું. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે  દોડી ગઇ હતી.  પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી વાહન કબજે લઇ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના અંકોડિયા ગામે રહેતા દિનેશભાઇ પટેલ ખેતી કામ કરે છે. તેમની દીકરી કેયા ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સમા વિસ્તારમાં મામાના ઘરે પિતરાઇ ભાઇ બહેનો ભેગા થયા હતા. ત્યારબાદ  પિતરાઇ ભાઇ બહેનો ખરીદી કરવા માટે નીકળ્યા હતા. કારેલીબાગ પાણીની ટાંકી પાસે ખરીદી કરીને તેઓ મોપેડ પર પરત આવતા હતા. કેયા મોપેડ ચલાવતી હતી અને તેની  પાછળ પિતરાઇ બહેન જાનસી બેઠી હતી. તેઓ  પાણીની ટાંકી સર્કલથી અમિત નગર તરફ જતા હતા. 

તે દરમિયાન એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઇ  ગઇ હતી. કેયાની પિતરાઇ બહેનને ડાબા પગના પંજા તથા ઘુંટણ પર ઇજા થઇ હતી. જ્યારે કેયાને ગંભીર ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકસ્માતના  પગલે લોકોના ટોળા ભેગા થઇ  ગયા હતા અને ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો.

કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર હરેશ ગોહિલ ( રહે. દ્વારકા)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કેયાને અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને ટૂંક સમયમાં વિદેશ જવાની હતી. જોકે અમેરિકા જતાં પહેલાં જ યમરૂપી ટ્રકે કેયાનો જીવ લઇ લીધો છે. 


Google NewsGoogle News