એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના વૃક્ષની ચોરી
M S University Vadodara : વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની હેડ ઓફિસ પાછળથી વધુ બે ચંદનના વૃક્ષોની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેને લઇને યુનિવર્સિટીની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માંથી અવારનવાર ચંદનના વૃક્ષોની ચોરી થતી હોવાના બનાવો બનતા રહે છે. ત્યારે વધુ એક વાર યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી બે ચંદનના ઝાડની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ ગઈકાલે રાત્રિના સમયે તસ્કરો ઝાડ કાપવાના હથિયારો સાથે ત્રાટક્યા હતા. ત્યારબાદ ચંદનના ઝાડને કાપીને ચોરી કરીને લઈ ગયા હતા. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચંદનની ચોરી કરીને પલાયન થઈ જતા યુનિવર્સિટી ની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસને જાણ કરી નથી.