સુરતમાં ગંદા પાણીને કારણે રોગચાળો : ગોડાદરાની સોસાયટીમાંથી લીધેલા બે સેમ્પલ નિષ્ફળ
Surat Corporation : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મહારાણા પ્રતાપ નગરમાં ડાયેરિયાના વાવરના કારણે પાલિકા તંત્ર દોડતું થયું છે. પાલિકા તંત્રએ પાણીના 50થી વધુ સેમ્પલ લીધા હતા જેમાંથી બે સેમ્પલ ફેલ થયાં છે તેથી રોગચાળો ગંદા પાણીના કારણે થયો હોવાનું બહાર આવ્યું છે. પાલિકાએ વધુ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે અને સતત બીજા દિવસે સર્વે હાથ ધર્યો છે.
લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સોસાયટીમાં કેટલાક દિવસથી સતત ડાયેરિયાના કેસ વચ્ચે એક યુવકનું મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. ધારાસભ્યને ફરિયાદ મળતા તેઓએ પાલિકાની ટીમ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. આ રોગચાળો પીવાના ગંદા પાણીના કારણે થયો હોવાની વાત સાબિત થઈ રહી છે. પાલિકાએ પીવાના પાણીના 50 જેટલા સેમ્પલ લીધા હતા જેમાંથી બે સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ ગયાં છે.
પાલિકા દ્વારા લેવામાં આવેલા પાણીના 50 સેમ્પલ પૈકી બે સેમ્પલ ફેઈલ હોવાનું ધ્યાને આવતા ડ્રેનેજ અને પાણી વિભાગની ટીમ દ્વારા હાલમાં આ વિસ્તારમાં ખોદકામ હાથ ધરીને પાણીની સમસ્યા સંભાવનાને પગલે તાકીદના ધોરણે સમારકામની કાર્યવાહી કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.