અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ: બે સાધુએ એક સાધુની જટા કાપી બનાવ્યો વીડિયો, એક આરોપીની ધરપકડ
Dispute Between Sadhu In Amreli : અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે અજાણ્યા બે સાધુઓ આવીને 'તું ફર્જી સાધુ છે' તેમ કહીને મારમારી કરી હતી, અને ભગુડાના સાધુની જટા કાપી વીડિયો બનાવ્યો હતો. આ સાથે સાધુના થેલામાંથી રોકડ અને મોબાઈલ સહિત કુલ 21 હજારની લૂંટ કરીને બંને અજાણ્યા સાધુઓ ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેેમાં પોલીસે એક આરોપીની હળવદથી ધરપકડ કરી લીધી છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપી હળવદ વિસ્તારના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની જાણકારી મળી હતી. આ પછી ખાંભા પોલીસની ટીમ હળવદ વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપી સાધુ અર્જુનગીરીને દબોચીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી પ્રમાણે, ભગુડાના એક સાધુ ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહ્યાં હતા, ત્યારે અર્જુનગીરી નામના સાધુ અને અન્ય એક અજાણ્યા સાધુ આશ્રમમાં આવ્યાં હતા. આ દરમિયાન આ બંને સાધુએ ભગુડાના સાધુને 'તું ફર્જી સાધુ છે' કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે બંને સાધુએ ભગુડાના સાધુના માથાની જટા કાપીની વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો. આ પછી બંને આરોપી સાધુઓ ભગુડાના સાધુ પાસે રહેલા 10,805 રોકડ, એક મોબાઈલ અને 300 ગ્રામના કાજુ-બદામ મળીને કુલ 21 હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ, કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકનું ઢીમ ઢાળી દીધું
જ્યોર્તિનાથ બાપુની પ્રતિક્રિયા
ખાંભામાં સાધુ સાથે મારામારી અને લૂંટની ઘટનાને જ્યોર્તિનાથ બાપુએ વખોડી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના કૃત્યોથી સનાતન ધર્મ લજવાઈ રહ્યો છે.