વઢવાણ 80 ફૂટ રોડ પર વડવાળા હોટલના માલિક પર બે રાઉન્ડ ફાયરિંગ
- હોટલ પર ઝઘડો કરવાની ના પાડતા વાત વણસી હતી
- ઝઘડાનું સમાધાન કરવા બોલાવી આરોપીઓએ હુમલો કર્યો : સામસામી ૧૪ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને ફાયરીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ યોગેશ્વર પાર્ક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ૮૦ ફુટ રોડ પર ચા ની હોટલ ધરાવતા શખ્સને હથિયારો વડે મારમારી જાનથી મારી નાંખવાના ઈરાદે ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ ભોગ બનનાર હોટલના માલીકે ૧૦ શખ્સો સામે બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવી છે જ્યારે સામાપક્ષે પણ ૪ શખ્સો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર વડવાળા હોટલ ધરાવતા ફરિયાદી નાનુભાઈ વજાભાઈ કલોતરા (રબારી) વાળાની હોટલે મૌલીક ઉર્ફે શની વજાભાઈ ખાંભલા (રહે.વઢવાણ) હાજર હતા. તે દરમિયાન ૮૦ ફુટ રોડ પર રહેતા સંજયભાઈ ભાડકા, મહેશભાઈ ભાડકા અને ઘનશ્યામભાઈ ભાડકા ત્યાં હોટલ પર આવ્યા હતા અને મૌલેશ ઉર્ફે સની સાથે ઝઘડો કરતા ફરિયાદીએ હોટલ પર ઝઘડો કરવાની ના પાડતા ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યાં હતા. ત્યાર બાદ રાણપુરવાળા ધનાભાઈ ભુવાજીએ આરોપીઓ તેમજ ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા માટે કહેતા ગત રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં ફરિયાદી પક્ષના માણસો આરોપી પક્ષના માણસોના ઘરે ૮૦ ફુુટ રોડ પર યોગેશ્વર પાર્ક જઈ રહ્યાં હતાં.
તે દરમિયાન ૧૦ જેટલા શખ્સોએ એકસંપ થઈ ગેરકાયદેસર રીતે મંડળી રચી લાકડી, પાઈપ વડે ફરિયાદીની કારના કાચ તોડી નુુકસાન પહોંચાડયું હતું. તેમજ જાનથી મારી નાંખવાના ઈરાદે સંજયભાઈ ભાડકાએ ફરિયાદી પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને ફરિયાદી સાથે રહેલ રામભાઈ જગાભાઈ કલોતરાને ડાબા પગે લાકડી મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે ભોગ બનનાર ફરિયાદી નાનુભાઈ કલોતરાએ બી-ડિવીઝન પોલીસ મથકે સંજયભાઈ લક્ષ્મણભાઈ ભાડકા, મહેશભાઈ લક્ષ્મણભાઈ ભાડકા, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ભાડકા, લક્ષ્મણભાઈ દેવશીભાઈ ભાડકા, આશિષભાઈ મહેશભાઈ ભાડકા, શનીભાઈ મહેશભાઈ ભાડકા, નિરવભાઈ સંજયભાઈ ભાડકા, વિરમભાઈ જગદીશભાઈ ભાડકા (તમામ રહે.યોગેશ્વર પાર્ક, ૮૦ ફુટ રોડ), ગોપાલભાઈ જગદીશભાઈ ભાડકા, (રહે.મુળચંદ રોડ, વઢવાણ) અને જયેશભાઈ મોતીભાઈ ભાડકા સામે ફરિયાદ નોંધાવતા બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે જયેશભાઈ મોતીભાઈ ભાડકાએ પણ બી-ડિવીઝન પોલીસ મથકે મૌલીક ઉર્ફે શનીભાઈ ખાંભલા, નાનુભાઈ વજાભાઈ કલોતરા, વિરમભાઈ નાનુભાઈ કલોતરા અને લાખાભાઈ નાનુભાઈ કલોતરા (તમામ રહે.દેશળ ભગતની વાવ, રબારી નેસ, વઢવાણ) સામે લાકડાના ધોકા અને લાકડીઓ વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. મારામારી અને ફાયરિંગના બનાવમાં સામ સામે ૧૪ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.