ગાંધીનગરમાં બે અલગ અલગ અકસ્માતોમાં 2ના મોત, એકને તો બુલેટે ઉલાડતાં કાળને ભેટ્યો
Gandhingar Road Accident: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર પાસે ખ રોડ પર ત્રણ ગાડીઓ વચ્ચે ટક્કર થઇ હતી. ત્રણ ગાડીઓ વચ્ચે એટલી જોરદાર ટક્કર સર્જાઇ હતી કે કારનો ભુક્કો વળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માત ગાંધીનગરના કડી-છત્રાલ રોડ પર સર્જાયો હતો. જેમાં બુલેટ ચાલકની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા એક મહિનાથી ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરી અકસ્માતની ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. પરંતુ તેમછતાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અકસ્માનો વણઝાર યથાવત છે. વાહન ચાલકો બેફામ બની રફતારનો કહેર વર્તાવી રહ્યા છે. જેના લીધે નિર્દોષ વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે.
ગત મોડી રાત્રે ગાંધીનગર શહેર અને જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર પાસે ઘ રોડ પર ત્રણ ગાડીઓ વચ્ચે પરસ્પર ટક્કર થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ટક્કર એટલી ભયંકર હતી કે એક કારનો ભુક્કો વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેફામ બન્યો બુલેટ ચાલક, આધેડને ટક્કર મારી ઉડાવ્યો
છત્રાલ-કડી રોડ પર બુલેટ ચાલકે રસ્તો ઓળંગી રહેલા આધેડ વ્યક્તિને ટક્કર મારતાં આધેડનું મોત નીપજ્યું હતું. અકસ્માતના લીધે બુલેટ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બુલેટ ચાલક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ કરવામાં આવતાં પોલીસ તથા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મૃતકની ઓળખવિધિ કરી તેની ડેડબોડીને પી.એમ.અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.