લખતરના વણાના બે સગાભાઇ પર લાકડી વડે જીવલેણ હુમલો
- રાજપર પમ્પિંગ સ્ટેશન પાસેની ઘટના
- બાઇક ઉપર આવેલા શખ્સ મારમારી નાસી છુટતા ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસે આવેલ પંમ્પીંગ સ્ટેશન પાસે અજાણ્યા શખ્સે બાઈક પર આવી બે શખ્સોને લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર વ્યક્તિએ બી-ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા બાઈકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
લખતરના વણા ગામે રહેતા અને ખેતમજુરી કરતા વિશાલભાઈ સરદારભાઈ ભીલ અને તેમના મોટાભાઈ ખુશાલભાઈ ભીલ કૌટુંમ્બીક બહેન બીદાબેન કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા હોય બંને તેની શોધખોળ કરવા બાઈક લઈને જઈ રહ્યાં હતાં. ખુશાલભાઇ બાઈક ચલાવી રહ્યાં હતાં તે દરમિયાન વઢવાણના રાજપર ગામના પંમ્પીંગ સ્ટેશન પાસે પહોંચતા પાછળથી એક અજાણ્યા બાઈકચાલકે આવી બાઈકને ઉભું રખાવા જણાવ્યું હતું. જોકે, ખુશાલભાઇએ બાઇક ઉભુ રાખવાને બદલે ભગાડયું હતું. બાઇક આગળ જઈ કાબુુ ગુમાવતા દિવાલ સાથે અથડાયું હતું. દરમ્યાન અજાણ્યા બાઈકચાલક પાસે આવી લાકડી વડે વિશાલભાઇ તેમજ મોટાભાઈ ખુશાલભાઇને લાકડી વડે માથાના ભાગે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ અજાણ્યા બાઈકચાલક સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.