ચેકડેમમાં ન્હાવા ગયેલા રાજકોટ સિવિલનાં બે તબીબનાં ડુબી જવાથી મોત
- શનિવારે સાંજે ડુબ્યા બાદ રવિવારે સવારે મૃતદેહો મળ્યા
- મૃતકોનાં પરિવારજનો અને સિવિલનાં ડોકટરોમાં ઘેરો શોક
વતનમાં મૃતક તબીબોની અંતિમવિધિ
રાજકોટ, : લોધીકાનાં ખીરસરા ગામ પાસે આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજનાં બે તબીબનાં ડુબી જવાથી મોત નિપજતાં તેમના પરિવારજનો અને સિવિલનાં ડોકટરોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. હજુ બાર દિવસ પહેલાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ રાજકોટ પરત ફરતા રાજકોટ હોમિયોપેથી કોલેજનાં પાંચ છાત્રનાં અકસ્માતમાં મૃત્યું નિપજયા હતાં. જેનાથી તબીબી આલમને કળ વળે તે પહેલા વધુ બે ડોકટરોનાં આકસ્મિક મોત નિપજયા છે.
જામનગર રોડ પર આવેલી પીજી હોસ્ટેલમાં રહેતા ડો. ચીરાગ પુનમભાઈ ડામોર (ઉ.વ.૩૦, રહે. ધમાસણ, તા. ભીલોડા, જી. અરવલ્લી) એમ.ડી. (પેથોલોજીસ્ટ) હતાં. જયારે ડો. રવિ ગોપાલભાઈ રાઠોડ (ઉ.વ.૨૭, રહે. ધુમલી, તા. માળીયા હાટીના) એમ.ડી. (પેથોલોજીસ્ટ)ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતાં. બન્ને મિત્રો હોવાથી ગત શનિવારે સાંજે બાઈક લઈ ખીરસરા તરફ ફરવા નિકળ્યા હતાં.
પીડીયુ મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા કેટલાય ડોકટરો અને છાત્રોનું ખીરસરા બાજુની હોટલો ફેવરીટ ડેસ્ટીનેશન છે. અવાર નવાર ત્યાં જમવા માટે જતા હોય છે. આ સ્થિતિમાં ડો. ચિરાગ અને ડો. રવિ પણ ગત શનિવારે સાંજે ખીરસરા તરફ બાઈક લઈ નિકળી પડયા હતાં. ત્યારબાદ ગમે તે બન્યું બન્ને ડોકટર ખિરસરા - મોટા વડા રોડ પર આવેલા વાંછીયાવાળી તરીકે ઓળખાતી નદીનાં ચેકડેમમાં પહોંચ્યા હતાં. જયાં બન્ને ન્હાવા જતા ડુબી ગયા હતાં. જો કે, સ્થળ પર તે વખતે કોઈ હાજર ન હોવાથી બન્ને ડુબી ગયાની કોઈને જાણ પણ થઈ ન હતી.
ગઈકાલે રવિવારે સવારે ગ્રામજનો ત્યાંથી પસાર થયા ત્યારે ડો. ચિરાગનો મૃતદેહ તરતો દેખાતા તત્કાળ રાજકોટ ખાતેનાં ફાયરબ્રીગેડને જાણ કરી હતી. જેથી તેના તરવૈયાઓએ જઈ તત્કાળ ડો. ચિરાગનો મૃતદેહ બહાર કાઢયો હતો. કાંઠા પર લોક કરેલા બે મોબાઈલ ફોન, કપડા સાથેની બેગ, બે પર્સ, આઈકાર્ડ વગેરે પડયા હોવાથી બે જણા ડુબ્યાની શંકા ગઈ હતી. જેથી ફાયરબ્રીગેડનાં સ્ટાફે શોધખોળ ચાલુ રાખતા એકાદ કલાક બાદ ડો. રવિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
આ અંગે જાણ થતાં લોધીકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ચેકડેમનાં કાંઠે આઈકાર્ડ મળી આવ્યા હોવાથી તત્કાળ બન્ને મૃતક ડોકટરોની ઓળખ થઈ ગઈ હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ બન્ને ડોકટરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં. બન્ને મૃતક ડોકટરોની તેમનાં વતનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. ડો. રવિ બે ભાઈ બે બહેનમાં સૌથી નાના હતાં. એકાદ વર્ષ પહેલા સગાઈ પણ થઈ ગઈ હતી. પિતા ખેતી કરે છે. બન્ને મૃતક ડોકટરો પલ્સર બાઈક પર ખીરસરા ગયા હતાં. જે બાઈક ડો. ચિરાગનું હતું. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે.