વડોદરાની મહિલાના 2.46 લાખની મત્તા સાથેનાં બે પર્સની ચોરી
રાજકોટનું રેલ્વે સ્ટેશન ચોર, ગઠિયાઓ માટે રેઢાં પડ સમાન ઉત્તરાખંડના મુસાફરનો મોબાઈલ ચોરાયો, રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ
રાજકોટ, : ચોર અને ગઠીયાઓ માટે રેઢા પડ સમાન બની ગયેલા રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી એક મહિલા મુસાફરના રૂ. 2.46 લાખની મત્તા સાથેના બે પર્સ અને બીજા મુસાફરનો મોબાઈલ ફોન ચોરી થયાની રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર હવે ચોરી અને ઉઠાંતરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જેને કારણે મુસાફરોને કફોડી સ્થિતિમાં મુકાઈ જવું પડે છે.
વડોદરાના સાવલી રોડ પર એમ્પાયર ફલોરા બિલ્ડીંગમાં રહેતાં જલ્પાબેન રમણિકલાલ ભાલોડીયા (ઉ.વ. 37) ગઈ તા. 22 નવેમ્બરના રોજ રાજકોટથી વડોદરા જવા માટે જામનગર-સુરત ઈન્ટરસીટી ટ્રેનના કોચ નં. ડી-4માં બેઠા હતા. રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન રવાના થયા બાદ જોતાં બે પર્સ ગાયબ મળ્યા હતા.
જેમાં રોકડા રૂ. 13,000, ડોકયુમેન્ટ, સોનાના દાગીના હતા. વડોદરા પહોંચી રેલ્વે પોલીસમાં જાણ કરતાં શરૂઆતમાં રાજકોટ રેલ્વે પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવાનો આગ્રહ કરાયા બાદ આખરે વડોદરા રેલ્વે પોલીસે ફરિયાદ નોંધી રાજકોટ રેલ્વે પોલીસ તરફ મોકલી આપી છે.
બીજા બનાવમાં ઉત્તરાખંડના જોશીમઢ જિલ્લામાં રહેતાં દિલીપભાઈ મિશ્રા (ઉ.વ. 42) ગઈ તા. 5 નવેમ્બરના રોજ ટ્રેનમાં ચડવા ગયા ત્યારે ગઠીયાએ તેના પેન્ટના ખીસ્સામાંથી રૂ. 30.000 ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. જે અંગે જબલપુર રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ રાજકોટ રેલ્વે પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટનું રેલ્વે સ્ટેશન અને બસ પોર્ટ ચોર, ગઠીયાઓ માટે રેઢા પડ સમાન બની ગયું હોય તેમ મુસાફરના મોબાઈલ અને કિંમતી માલમત્તા ચોરી થવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. આ બંને સ્થળોએ પોલીસ ચોરીની ઘટનાઓ અટકાવી તો શકતી નથી પરંતુ ઘટનાઓ બન્યા બાદ તેના આરોપીઓને પકડવામાં પણ મહદ્દ અંશે નિષ્ફળ નિવડી છે.