વડોદરામાં બે વીજ સબ સ્ટેશનો પાણીમાં, 68 ફીડરો બંધ, 7 લાખ કરતા વધારે લોકો અંધારપટ હેઠળ
Vadodara rain Updates | વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે. કારણકે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે. એક અંદાજ અનુસાર અત્યારે વડોદરાના 6થી સાત લાખ લોકો લાઈટો વગર છે.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વિશ્વામિત્રીના પાણી જેટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબ સ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી આ બંને સબ સ્ટેશનો બંધ કરવા પડ્યા છે. જેના પગલે આ સબ સ્ટેશનોમાંથી 45 વીજ ફીડરો પરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.
જેના કારણે વડોદરાના જૂના પાદરા રોડ, અકોટા, જેતલપુર રોડ, ગોત્રી, અલકાપુરી, અટલાદરા, વાસણા, ગોત્રી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.વિશ્વામિત્રીના પૂરના કારણે ગઈકાલથી કારેલીબાગ, હરણી, સમા-સાવલી રોડ, ફતેગંજ જેવા વિસ્તારોમાં લાઈટો બંધ કરવામાં આવી હતી અને આજે પણ આ વિસ્તારોમાં તો પાવર સપ્લાય શરુ થવાનો કોઈ સવાલ નથી પરંતુ નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાથી શહેરના કુલ 68 ફીડરો બંધ કરવા પડ્યા છે. 370 ટ્રાન્સફોર્મરો પાણીમાં છે.
આમ વડોદરામાં 6 લાખ કરતા પણ વધારે લોકો અંધારપટ હેઠળ છે અને જ્યાં સુધી પૂરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી.
એમજીવીસીએલના એમડી તેજસ પરમારે કહ્યું હતું કે ઘણા લોકો વીજ પુરવઠો ચાલુ કરવા માટે મેસેજ કરી રહ્યા છે પણ પાણી સતત વધી રહ્યું હોવાથી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી. નાગરિકોને વિનંતી છે કે, ધીરજ રાખે. જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ અમે લાઈટો ચાલુ કરવાની કોશીશ કરીશું. વ્યક્તિગત ફરિયાદોનો ઉકેલ લાવવા માટે વીજ કંપનીનો સ્ટાફ પ્રયત્ન કરી રહ્યો છે. પાણી પૂરુ પાડતા બૂસ્ટર સ્ટેશનોનો વીજ સપ્લાય શરુ કરવાને પ્રાથમિકતા અપાશે.
બેઝમેન્ટના 7000 મીટરો પાણીમાં
તેમણે કહ્યું હતું કે, વડોદરામાં સંખ્યાબંધ ઈમારતો એવી છે જેના બેઝમેન્ટમાં વીજ મીટરો આવેલા છે અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે આ મીટરો પણ અત્યારે પાણીમાં છે. જેના કારણે આ ઈમારતોમાં પણ વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેવી સ્થિતિ નથી.