કેશોદ નજીક કાર ઝાડ સાથે અથડાતાં બે વ્યક્તિનાં મોત, બેને ગંભીર ઈજા
ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિને જૂનાગઢ ખસેડાયા
કેશોદ લગ્ન પ્રસંગમાં આવેલા લોકો રાત્રે જૂનાગઢ રોડ પર નાસ્તો કરવા જતા હતા ત્યારે થયો અકસ્માત
કેશોદના એરપોર્ટ રોડ પર રહેતા રાજુભાઈ ડાભીના પુત્રના લગ્ન હોવાથી તેના સગાસબંધીઓ ત્યાં આવ્યા હતા. રાજુભાઈના કુટુંબી ચંદુભાઈ જેરામભાઈ ડાભી સહિતના સગાવ્હાલા ગઈકાલે સાંજે દાંડીયારાસ રમ્યા હતા. રાત્રે સવા એક વાગ્યા આસપાસ જૂનાગઢથી લગ્નમાં આવેલા વિશાલભાઈ અશોકભાઈ સોલંકી, મયુરભાઈ શુભમભાઈ સોલંકી, ચંદુભાઈ જેરામભાઈ ડાભી અને વિજયભાઈ અમૃતભાઈ સોલંકી એ ચાર વ્યક્તિ વિશાલભાઈ સોલંકીની કારમાં કેશોદ બાયપાસ રોડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા. આ દરમ્યાન તેઓ જૂનાગઢ રોડ પર આહિર સમાજની વાડી નજીક પહોંચ્યા ત્યારે ચાલક વિશાલ સોલંકીએ કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારની આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. આ અંગે જાણ થતા પોલીસ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ અને સગાસબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં કારના પતરા તોડી તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ચંદુભાઈ ડાભી અને વિજયભાઈ અમૃતભાઈ સોલંકીનું મોત થયું હતું, જ્યારે વિશાલભાઈ અને મયુરભાઈને ગંભીર ઈજા થતા ૧૦૮માં કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા.
ચંદુભાઈ તથા વિજયભાઈના મૃતદેહને કેશોદ પોસ્ટમોર્ટમમાં ખસેડાયા હતા. આ અંગે માંગરોળ તાલુકાના કંકાણા ગામમાં રહેતા ચંદુભાઈના ભાઈ ઉમેશભાઈ જેરામભાઈ ડાભીએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે કાર ચાલક વિશાલ અશોક સોલંકી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન પ્રસંગમાં આવેલા લોકો નાસ્તો કરવા જતી વખતે અકસ્માતનો ભોગ બન્યાની ઘટનાથી ગમગીની વ્યાપી ગઈ હતી.