દિવાળીના તહેવારોમાં માતમ: કચ્છમાં બે જ દિવસમાં ડૂબવાના કારણે ચાર લોકોના મોત, બે લાપતા
Two People Die After Drowning In Canal In Rapar : કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યું છે, આવી જ બીજી કરૂણ ઘટના રાપરમાં બની. ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત થયા, જ્યારે તેમને બચાવવા ગયેલા બે લોકો ડૂબી જતા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.
કેવી રીતે બની ઘટના?
રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન પાસે આવેલી કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા બે લોકો નહેરમાં ડૂબી રહેલી સગીરા અને કિશોરને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. સમગ્ર ઘટનામાં સગીરા અને તેને બચાવવા કેનાલામાં ઝંપલાવનાર વ્યક્તિનું મોત થયું છે. જ્યારે કિશોર અને તેને બચાવવા જનાર વ્યક્તિની શોધખોળ યથાવત્ છે.
જોગી પરિવારમાં છવાયો માતમ
મળતી માહિતી પ્રમાણે, કેનાલમાં ડૂબતા સગીરને બચાવવા પડેલા શેરસિંગ બાબુભાઈ (ઉ.વ. 40) અને અનુજા કલુખાન જોગી (ઉ.વ. 17) નું મોત નીપજ્યું. જ્યારે શબીર કલુખાન જોગી (ઉ.વ. 21) અને સરફરાજ મોસમ જોગી (ઉ.વ 36) લાપતા હોવાથી પોલીસ અને સ્થાનિક લોકોએ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી છે. આ દરમિયાન લોકોએ 108ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત
માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રનું મોત
કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમરેલી: બેસતા વર્ષે જ ચાર ભાઈ-બહેનના ગૂંગળાઈ જતા મોત, કારમાં થઈ ગયા હતા લોક
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પણ કચ્છમાં આવી જ ઘટના બની હતી. જેમાં ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારના બે બાળકોના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા.