Get The App

મહુધા અને દેવકી વણસોલ ગામ નજીક વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
મહુધા અને દેવકી વણસોલ ગામ નજીક વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત 1 - image


- રોડ ક્રોસ કરતા આધેડને બાઈકે ટક્કર મારતા મૃત્યુ

- નડિયાદ રોડ ઉપર પૂરઝડપે રિક્ષા અથડાઈ પલટી જઈ બાઈક પર પડી, રિક્ષા નીચે દબાઈ જતા મહુધાના ૩૫ વર્ષના બાઈક ચાલક યુવાને જીવ ગુમાવ્યો

નડિયાદ : મહુધા નડિયાદ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા નીચે બાઈક ચાલકનું દબાઈ જતા મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના દેવકી વણશોલ રોડ ઉપર રોડ ક્રોસ કરતા આધેડનું ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલો છે.

મહુધા બસ સ્ટેશન સામે રહેતા મુજફ્ફર હૈદર મિયાં મલેક ગઈકાલે બપોરે બાઈક લઈને ખેતરમાં જતા હતા. દરમિયાન નડિયાદ રોડ ઉપર પુરઝડપે આવેલી રિક્ષા મોટરસાયકલ સાથે અથડાઈ રોડની સાઈડમાં પલટી મોટરસાયકલ પર પડતા બાઈક ચાલક દબાઈ ગયો હતો. ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે મહુધા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરે બાઈક ચાલક મુજ્જફર મિયાં મલેક (ઉં.વ. ૩૫)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મુન્તજીરમીયા હૈદર મિયાં મલેકની ફરિયાદના આધારે મહુધા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલમાં રહેતા માનસિંગભાઈ દેસાઈભાઈ ચૌહાણ કાચછઇ ગામે ખાનગી દવાખાનામાં નોકરી કરતા હતા. તેઓ તા.૧૯/૧/૨૫ની સાંજે એસટી સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન પુરઝડપે મોટરસાયકલે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત માનસિંગભાઈ ચૌહાણને સારવાર માટે મહેમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તા.૨૪/૧/૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તા.૩૧/૧/૨૫ની સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. 

આ બનાવ અંગે ભુપેન્દ્રભાઈ માનસીગભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News