વિઝા અને કોચિંગનું કામ કરતી મહિલાને લોનના નામે ફસાવી બળાત્કાર ગુજારનાર બે ઓફિસ સંચાલક ફરાર
વડોદરાઃ વિઝા અને કોચિંગનું કામ કરતી પરિણીતાને લોનના ચક્કરમાં ફસાવી બળાત્કાર ગુજારનાર ત્રિપુટી પૈકી એક આરોપી પકડાઇ ગયા બાદ ફરાર થયેલા બે ઓફિસ સંચાલકોને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. કોચિંગ ક્લાસ ચલાવતી મહિલા સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ લોન આપતી ચાઇનીઝ એપના ચક્કરમાં ફસાઇ હતી. તેણે નોકરી છોડી પોતાનો ક્લાસ કરવા માટે બે થી અઢી લાખ રૂપિયાની લોન લીધી હતી.પરંતુ ત્યારબાદ લોન વસૂલવા માટે કડક ઊઘરાણી થતાં અને દર બે દિવસે 5 હજાર રૂપિયાની માંગણી થતાં મહિલાએ અગ્રવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અને વડોકાઇ કરાટે એકેડેમી સાથે સંકળાયેલા રાજેશ અગ્રવાલ પાસે રકમ લીધી હતી.
રાજેશે રકમની સાથે વ્યાજની માંગણી કરતા મહિલાને વિક્રાંત અને યજ્ઞોશ દવે પાસે રૂપિયા લેવા પડયા હતા.એક પછી એક વ્યાજ ખોરોના ચક્કરમાં ફસાતી ગયેલી મહિલાને રાજેશે કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો.આવી જ રીતે વિક્રાંત અને યજ્ઞોશ દવેએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને નામે લોન લેનાર આરોપીઓએ ચેક બાઉન્સના કેસો કરવાની ધમકી પણ આપી હતી.
આખરે મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પીએચડી થયેલા અને ખાનગી ફાર્મા કંપનીમાં જોબ કરતા યજ્ઞોશ પ્રદ્યુમન દવે(ક્રિષ્ણાપ્રાઇમ સો.છાણી)ની ધરપકડ કરી હતી.જ્યારે,કાન્હા કેપીટલ અલકાપુરી ખાતે ઓફિસ ધરાવતા રાજેશ હરિમોહન અગ્રવાલ (શ્રીનાથ ધામ,અકોટા) અને સારાભાઇ કેમ્પસમાં કે-10 ખાતે ગ્લોબલ ઓવરસીઝ નામની વિઝા ઓફિસ ધરાવતા વિક્રાંત ભાનુ પ્રતાપ દિક્ષિત (વિવાન્તા ડિલાઇટ,વાસણા રોડ) ની શોધખોળ હાથ ધરી છે.
મહિલા પણ ઠગાઇના કેસમાં એક મહિના પહેલાં જ જામીન પર છૂટી હતી
સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવનાર મહિલા અને તેના પતિ સામે પણ છ મહિના પહેલાં વિદેશ મોકલવાના નામે રૂપિયા 22 લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી.જેમાં સ્થાનિક કોર્ટમાંથી જામીન રદ થયા હતા.એક મહિના પહેલાં જ મહિલાનો હાઇકોર્ટમાંથી જામીન પર છૂટકારો થયો હતો...