વરાછાના મસાજ પાર્લરમાં ચપ્પુની અણીએ લૂંટ કરનાર વધુ બે ઝબ્બે
- પાર્લર માલિકને બાનમાં લઇ મોબાઇલ અને રોકડા 14 હજાર લૂંટી લીધા હતાઃ કુખ્યાત ભૂરી ડોનના જુના સાથીદારોએ આતંક મચાવ્યો હતો
સુરત
વરાછા મારૂતિ ચોકના અનમોલ મસાજ પાર્લરમાં ઘુસી જઇ ચપ્પુની અણીએ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 14 હજારની લૂંટની ઘટનામાં વધુ બે લૂંટારૂને પોલીસે ઝડપી પાડયા છે.
વરાછા મારૂતિ ચોક ખાતે અનમોલ મસાજ પાર્લરમાં મહિના અગાઉ કુખ્યાત ભૂરી ડોનના સાથીદારો ઘુસી ગયા હતા. પાર્લર માલિક વિશ્વરૂપ વરૂણ ડે ને ચપ્પુની અણીએ બાનમાં લઇ ભૂરીના સાથીદાર નાનો ભરવાડ, રવિ ગોંસાઇ, રાહુલ ઘોડો, અભી બાવા અને દિલીપ દરબારે રોકડા રૂ. 14 હજાર અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. આ ઘટનામાં જે તે વખતે પોલીસે દિલીપ દરબારને ઝડપી પાડયો હતો. જયારે ગત રાત્રે કરણ ઉર્ફે રવિ ભુપેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ. 26 રહે. ડાહ્યાપાર્ક સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા) અને અભિષેક ઉર્ફે અભી બાવો અશોક દેવમુરારી (ઉ.વ. 21 રહે. સી 409, બાપા સીતારામ એપાર્ટમેન્ટ, એલ.એચ. રોડ, વરાછા) ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લૂંટ પર્વે આ ટોળકી કાપોદ્રા વિસ્તારમાં નાંણાકીય લેતીદેતીમાં એક યુવાનને માર પણ માર્યો હતો.