છાતીમાં દુઃખાવો થયા બાદ સુરતમાં વધુ બે વ્યક્તિના એકાએક મોત
- ગોડાદરામાં 42 વર્ષીય મહિલા અને રાંદેરમાં મ્યુનિ. કર્મચારીની તબિયત બગડયા બાદ મોત થયું
સુરત :
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે છાતીમાં દુઃખાવો થયા બાદ ગોડાદરામાં ૪૨ વર્ષીય મહિલા અને રાંદેરમાં પાલિકાના કર્મચારીની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં આસપાસ ખાતે કલાકુંજ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય કાંન્તાબેન મનોહરભાઇ ગજરે ગત સાંજે ઘરમાં છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે અચાનક ઢળી પડતા બેભાન થઈ જતા સારવાર માટે ગાડાદરાની ખાનગી હોસ્પિટલ બાદ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તેમને પાંચ સંતાન છે. તે રેલવેમાં સફાઇ કામ કરતા હતા. બીજા બનાવમાં રાંદેરમાં રામનગરમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય રમેશભાઇ નાગજીભાઇ મકવાણા ગઇ કાલે સાંજે ઘરમાં છાતીમાં દુઃખાવો થયો હતો. બાદમાં તે પડી જતા હાલત ગંભીર થઇ હતી. તે બેભાન થઈ જતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તે પાલિકાના એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા. તેને એક બહેન છે.