ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યના કેસરિયા, બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા
ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યો છે
Gujarat Politics: લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમજ બરોડા ડેરીના ડિરેકટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સોમવારે બપોરે એક કાર્યક્રમમાં ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલને કેસરિયો પહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2017માં ચિરાગ કાલરિયા જામજોધપુરની બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. જો કે બાલકૃષ્ણ પટેલ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયા હતા.