પેટલાદના ધર્મજ ગામમાં કમળાના વધુ બે દર્દીને દાખલ કરાયા
- 20 દર્દીઓ હજૂ સારવાર હેઠળ : કુલ 125 કેસ
- 31 હજાર ક્લોરિન ટેબલેટનું વિતરણ : 605 ક્લોરિન ટેસ્ટમાં 494 પોઝિટિવ અને 111 નેગેટિવ
પેટલાદના ધર્મજ ગામ ખાતે લગભગ અઠવાડિયાથી કમળાના રોગચાળાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચેલી છે. ત્યારે આજે રવિવારની રજાના દિવસે પણ ધર્મજ ગામમાં આરોગ્ય વિભાગની ૧૯ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો હતો. ઉપરાંત ૩૮ જેટલા પાણીના લીકેજની દુરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા પૂર્ણ કરાઈ છે.
ગામમાં અત્યાસ સુધીમાં ૧૨૫ કમળાના દર્દીઓ મળી આવ્યા છે. દરમિયાન રવિવારે કમળાના વધુ બે દર્દીઓને સારવાર માટે દાખલ કરાય છે. જ્યારે આજે એક પણ દર્દીને રજા અપાઈ કે લીધી નથી. હાલ ૨૦ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તંત્રએ ક્લોરિનની ૩૧,૧૧૮ ટેબલેટનું વિતરણ પણ કર્યું હતું. ત્યારે કુલ ક્લોરિન ટેસ્ટ ૬૦૫ કરાયા હતા.
જેમાં ૪૯૪ પોઝિટિવ અને ૧૧૧ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કમળાની બીમારીથી બચવા પાણી ઉકાળીને પીવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે. કમળાના લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે.