સુરતમાં રોગચાળા વચ્ચે ઝાડા થયા બાદ વધુ બે વ્યક્તિના મોત
- ઘોડદોડ રોડ ખાતે તાવ અને ઝાડા-ઉલટી બાદ કાપડ વેપારી અને પાંડેસરામાં ઝાડા થયા બાદ વૃધ્ધ મોતને ભેટયા
સુરત,
:
ચોમાસામાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે ઘોડદોડ રોડ ખાતે તાવ અને ઝાડા ઉલટી થયા બાદ કાપડ વેપારી અને પાંડેસરામાં ઝાડા થયા બાદ વૃધ્ધનું મોત થયું હતુ.
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઘોડદોડ રોડ પર સૂર્ય કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૩ વર્ષના નિલેશ ઉત્તમચંદ માલપાનીને બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. ગત સાંજે ઝાડા-ઉલટી થઇ હતી. બાદમાં તેમની તબિયત વધુ લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મૂળ રાજસ્થાનના જયપુરના વતની હતા. તે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો ધંધો કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બીજા બનાવમાં પાંડેસરા કિષ્નાનગરમાં રહેતા ૭૨ વર્ષના વિરેશભાઇ બરખુ જેયસ્વાલને ગત મોડી રાતે ઝાડા શરૃ થયા હતા. બાદમાં તેની તબિયત વધુ લથડતા બેભાન થઇ જતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મૂળ ઉત્તરપ્રદેશમાં ફૈઝાબાદના વતની હતા. અને રીક્ષા ચલાવતા હતા.
નોધનીય છે કે, શહેરમાં ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બિમારીમાં લોકો વધુ સપડાય રહ્યા છે. જેને લીધે નવી સિવિલમા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને ખાનગી દવાખાના-હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળે છે.