Get The App

સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી 1 - image


Rain Forecast For Kutch-Saurashtra : ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં 10 ઇંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં 5-5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Ground Report : જામનગરમાં પૂરના પાણી ઓસરવાનું શરૂ, તારાજીના દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

તાલુકાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ 7 ઇંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો : વડોદરામાં રાહતના સમાચાર વચ્ચે આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત, મગરો નગરચર્યાએ નીકળ્યા

વધુમાં, રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે, રાજકોટ જિલ્લાના રાજકોટ અને જેતપુર તાલુકામાં, જામનગર તાલુકામાં, પોરબંદર તાલુકામાં તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકામાં 3 ઇંચથી વધુ, 10 તાલુકામાં 2 ઇંચથી વધુ, 36 તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ 163 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 238 તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : સરકારના બે મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ‘ફ્‌લડ ટુરિઝમ’ કરીને રવાના

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 29મી ઑગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતાં પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ ઍલર્ટની સ્થિતિ છે. આજે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર રાજ્યમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્યથી દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી 2 - image

30 ઑગસ્ટની આગાહી


આવતીકાલે (30 ઑગસ્ટ) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ સાથે ગ્રીન ઍલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.


સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી 3 - image
31 ઓગસ્ટની આગાહી

આગામી 31 ઑગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો ઍલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન ઍલર્ટ રહેશે.


સાવચેતી રાખજો! સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી 4 - image


Google NewsGoogle News