કાર સરખી ચલાવવાનું કહેતા કેનેડાથી આવેલા યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
ગાંધીનગરના સેક્ટર-૨૬ કિસાનનગર નજીક
યુવાન કાર લઈને વિજાપુરથી પરત ફરતો હતો તે સમયે અન્ય કારમાં સવાર બે શખ્સોએ માર માર્યો : પોલીસ ફરિયાદ
પાટનગર ગાંધીનગર શહેરમાં હવે નજીવી બાબતમાં પણ તકરારો વધી
ગઈ છે ત્યારે ગઈકાલ સવારના સમયે કાર ચાલક સેક્ટર ૭-ડીના યુવાનને અન્ય કારમાં સવાર
બે શખ્સોએ માર માર્યાની ઘટના બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૭-ડી પ્લોટ નંબર ૧૨૨૬-૧માં રહેતા અને
કેનેડાથી એક મહિના અગાઉ પરત આવેલા યુવાન રીધમ જીગ્નેશ ભાઈ શાહ ગઈકાલે સવારે તેની
કાર લઈને વિજાપુરથી ગાંધીનગર આવવા માટે નીકળ્યો હતો.
તે દરમિયાન સેક્ટર ૨૬ કિસાન નગર નજીક તેની બાજુમાંથી પસાર
થઈ રહેલી કારનો ચાલક કારને આડી અવડી રીતે ચલાવતો હતો. જેથી આ યુવાને તેની બાજુમાં
પોતાની કાર લઈ જઈ કાર સરખી ચલાવવાનું કહ્યું હતું. જોકે યુવાને ટકોર કરતા આ કાર
ચાલકને ગમ્યું ન હતું અને તેની આગળ કાર ઊભી રાખી હતી અને ત્યારબાદ કારમાંથી ઉતરીને
રીધમ સાથે ઝપાઝપી કરી ગાળા ગાળી કરી હતી. ત્યારબાદ કારમાં સવાર અન્ય શખ્સ પણ ત્યાં
આવી ગયો હતો અને બંને જણાએ યુવાનને માર મારવાનું શરૃ કર્યું હતું.
બૂમાબૂમ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તે દરમિયાન આ
શખ્સો ત્યાંથી જતા જતા કઈ ગયા હતા કે હવે આ પ્રકારે અમને ટોકીશ તો જાનથી મારી
નાખીશું ત્યારબાદ યુવાને તેની પત્ની અને સસરાને ફોન કરતાં તેઓ આવી ગયા હતા અને ૧૦૮
એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં
આવ્યો હતો. હાલ તેની ફરિયાદના આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ
કરી છે.