રૂપાવટી ગામે યુવક પર હુમલાના કેસમાં બે શખ્સને 25 માસની કેદ
- પોણા બે વર્ષ પૂર્વેની ઘટનામાં ગારિયાધાર કોર્ટનો ચુકાદો
- સોલાર પ્રોજેક્ટના મજૂરોની મજૂરી અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કર્યાની દાઝ રાખી માર માર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધારના રૂપાવટી ગામે, ખોડિયા મંદિર પાસે રહેતા મુબારકભાઈ કાસમભાઈ પાદરશી (ઉ.વ.૩૭) ગત તા.૧૦ જુન,૨૦૨૩ના રોજ સાંજના સમયે મસ્જિદેથી નમાજ પઢીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાલડી રોડ, બાલમંદિર પાસે પહોંચતા તે જ ગામે રહેતો કુલદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ અને યશપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સોએ બુલેટ લઈ આવી યુવાનને આંતરી યશપાલસિંહ ગોહિલ નામના શખ્સે પોતે સોલારમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોવાનું જણાવી તું અમારા સોલારાના મજૂરોની મંજૂર, તેને લગતા પ્રશ્નો બાબતે કેમ રજૂઆતો કરે છે ? તેમ કહીં બોલાચાલી કરી બન્ને શખ્સે લોખંડના પાઈપ અને લાકડાની હોકી વડે બન્ને પગે આડેધડ માર મારી ફ્રેક્ચરની ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે યુવાને ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોર શખ્સોની ધરપકડ-કેસની તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ ગારિયાધાર કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી. સેજુની ધારદાર દલીલો, રજૂ થયેલા આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એ.કે. શાહે બન્ને આરોપી કુલદીપસિંહ ગોહિલ અને યશપાલસિંહ ગોહિલને તકસીરવાન ઠેરવી આઈપીસી ૩૨૪ના ગુનાના કામે ૧-૧ વર્ષની સજા, રૂા.૧૦૦૦-૧૦૦૦નો દંડ, આઈપીસી ૩૨૫ અન્વયે ૧-૧ વર્ષની કેદ, રૂા.૧૦૦૦-૧૦૦૦નો દંડ તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ એક માસની કેદ મળી બે વર્ષ અને એક મહિનાની સજા ફટકારી છે.