ઘોઘાના સર્કલ ઓફિસરની ફરજમાં રૂકાવટ કરી બે શખ્સ રેતી ભરેલો ટ્રક લઈ ફરાર
ચાલક ટ્રક લઇ અવાણિયા તરફ નાસી છૂટયો
ભાવનગર પ્રાંત અધિકારીએ પીપળિયા પુલ નજીકથી ટ્રક પકડયો હતો, સર્કલ ઓફિસરને કાર્યવાહી કરવા સૂચના આપી હતી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર પ્રાંત અધિકારી પ્રતિભા દહિયા ગઈકાલે સાંજે ઘોઘા મામલતદાર કચેરીની મુલાકાતે આવતા હતા તે દરમિયાન પીપળીયા પુલથી પાતાલેશ્વર મહાદેવ વચ્ચે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેરીતે રેતી ભરેલો ટ્રક નં.જી.જે.૦૪.એ.ડબલ્યુ. ૭૯૮૪ પકડયો હતો અને ઘોઘા મામલતદારને જાણ કરતા ઘોઘા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જગદીશસિંહ સુરૂભા ગોહિલ અને સરકારી ગાડીના ડ્રાઇવર મોમીનભાઈ પીપળીયા પુલ પાસે પહોંચ્યા હતા. સર્કલ ઓફિસર ટ્રકના ચાલકની પૂછપરછ કરતા હતા તે દરમિયાન કાળા કલરની કાર નં. ૨૫ બી.એમ.૧૩૯૬બી આવી હતી અને તેમાંથી વિપુલ ભાલીયા નામનો શખ્સ નીચે ઉતર્યો હતો અને 'રેતી ભરેલો ટ્રક મારી માલિકીનો છે અને અગાઉ પણ આ જ ટ્રક ઘોઘા મામલતદારે સીઝ કરેલ હતો, આથી આ ટ્રક હું તમને નહીં લઈ જવા દઉં' તેમ કહી ગેરવર્તન કરી સર્કલ ઓફિસરને પકડી રાખતા ટ્રકનો ચાલક રેતી ભરેલો ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. સર્કલ ઓફિસરે તેમની કારમાં ટ્રકનો પીછો કરતા વિપુલ ભાલીયાએ પોતાની કાર આગળના ભાગે ચલાવી સરકારી ગાડીને ટ્રક સુધી પહોંચવા ન દીધી હતી. અને ટ્રકનો ચાલક અવાણીયા તરફ જતો રહ્યો હતો. આ બનાવ અંગે સર્કલ ઓફિસર જગદીશસિંહ સુરૂભા ગોહિલ ( રહે.ભગવતી સોસાયટી, કાળિયાબીડ, ભાવનગર ) એ વિપુલ ભાલીયા અને ટ્રકના ચાલક વિરૂદ્ધ પોતાની સરકારી ફરજમાં રુકાવટ કરી ધમકી આપી ટ્રક ભગાડી ગયાની ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.