નડિયાદમાં બેગના વેપારી સાથે બે શખ્સોની 1.78 લાખની છેતરપિંડી
બેંક એકાઉન્ટની વિગતો મેળવી લઈ
માત્ર એક રૂપિયામાં ઓનલાઈન પેમેન્ટનું સ્કેનર સ્પીકર મેળવવાની લાલચ ભારે પડી
નડિયાદના મિલ રોડ પર વિકેની ચાલીમાં રહેતા રાધેચરણ ધનીરામ સોલંકીની આરટીઓ પાછળ બેગની દુકાન આવેલી છે. ગત તા.૧૪ ડિસેમ્બરે તેમની દુકાન પર બે યુવકો આવ્યા હતા. તેમણે ફોન-પેનું સ્કેનર સ્પીકર આપવાની વાત કરી હતી. જોકે, દુકાનદારે ફોન-પે સ્પીકર લેવાની ના પાડતા બંને શખ્સોએ માત્ર એક રૂપિયામાં સ્કેનર સ્પીકર આપવાની લાલચ આપી હતી. જેથી દુકાનદારે, મને ફોન વાપરતા નથી આવડતું, તમે કરી આપો, તેમ કહી મોબાઈલ અજાણ્યા યુવકોને આપ્યો હતો. દરમિયાન બંને શખ્સોએ દુકાનદારને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી બેંકનો પાસવર્ડ અને ફોન-પે એકાઉન્ટને લગતી માહિતી મેળવી લીધી હતી. બાદમાં એક કલાકમાં તમને સ્પીકર મળી જશે તેમ કહી બંને શખ્સો નાસી ગયા હતા. તેના થોડા સમય પછી દુકાનદારના બે બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. ૧,૭૮,૦૦૦ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. તેમજ કોઈ વ્યક્તિ સ્કેનર સ્પીકર પણ આપવા આવ્યું ન હોવાથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.