સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પરથી ચોરીના બાઈક સાથે બે શખ્સ ઝડપાયા
લીંબડીના બંને શખ્સ પાસેથી ચોરીના ત્રણ બાઇક જપ્ત કરાયા
શહેરના હેલિપેડ, લીંબડીમાં હવેલી શેરી અને બોપલમાંથી બાઇક ચોરી કરી હતી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પરથી ચોરીના બાઈક સાથે લીંબડીના બે શખ્સને ઝડપી પાડયા હતા. આરોપીઓની પુછપરછમાં બંનેએ કુલ ત્રણ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણ બાઇક કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રિવરફ્રન્ટ રોડ પર જિલ્લા પંચાયત ત્રણ રસ્તા પાસેથી બે શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થવાના હોવાની બાતમીના આધારે એ-ડિવીઝન પોલીસ ખાટકીવાડ તરફથી શંકાસપદ હાલતમાં એક બાઈક પર બે શખ્સો પસાર થતાં તેને ઉભા રખાવી પુછપરછ હાથ ધરી હતી. બાઇક ચેક કરતા બાઈકમાં નંબર પ્લેટ નહોતી અને આધાર પુરાવા માંગતા બંને ગલ્લા-તલ્લા કરતા હતા. નામઠામ પુછતા બાઈક ચાલકની ઓળખ મયુરભાઈ ઉફે બીટુ અશોકભાઈ રાઠોડ (રહે.લીંબડી) અને બાઇક પર પાછળ સવાર શખ્સની ઓળખ ઈમ્તીયાઝ ઉર્ફે કપાલી કાસમભાઈ ખોજાણી (રહે.લીંબડી) તરીકે થઇ હતી.
પુછપરછ દરમ્યાન બંને શખ્સોએ સુરેન્દ્રનગર ગેઈટ સ્ટેશન પાસેથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેનો એ-ડિવીઝન પોલીસ મથકે બાઈક ચોરીનો ગુનો નોંધાયો હતા. તેમજ અન્ય બે ચોરી કરેલા બાઈક હેલીપેડ પાસે બાવળની આડમાં સંતાડયા હોવાની પણ કબુલાત કરી હતી. જે અમદાવાદ વકીલ બ્રીજ નીચેથી અને લીંબડી હવેલી શેરીમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ચોરીના ૩ બાઈક (કિં.રૂા.૮૫,૦૦૦) સહિતના મુદ્દામાલ સાથે બંને ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.