સુરેન્દ્રનગરમાં 'પોલીસ' લખેલી નેમપ્લેટ કારમાં રાખી નીકળેલો બે શખસ પકડાયા
- જેસડા અને નડાળા ગામના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- પોલીસ ન હોવા છતાં રોફ જમાવવા કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખી હોવાની કબુલાત કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાંથી થોડા સમય મહિના પહેલા બે કારચાલક કારના ડેસ્ક બોર્ડ પર ઈંગ્લીશમાં પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થયા હતા. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી જેસડા અને નડાળા ગામના શખ્સો સામે પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી ગુનો કર્યા બાબતે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રોડ પર આવેલી બહુચર હોટલ પાસેથી ગત તા.૧૪ ડિસ્મેબર ૨૦૨૪ના રોજ એક કાર ચાલક ડેસ્ક બોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ સાથે પસાર થયો હતો. જે અંગેની તપાસ કરતા કાર અજયસિંહ વિક્રમસિંહ ઝાલા (રહે.જેસડા તા.ધ્રાંગધ્રા)નું જણાઈ આવ્યું હતું. અજયસિંહને પોલીસ મથકે બોલાવતા કાર પોતાની હોવાની હોવાની કબુલાત કરી હતી. પરંતુ તેમના નાના ભાઈ પ્રદિપસિંહ ઝાલા કાર સુરેન્દ્રનગર લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પ્રદિપસિંહનું પણ નિવેદન લેતા બનાવ અંગે કબુલાત કરી હતી અને પોલીસ લખેલ પ્લેટ કારમાં મુકવા બાબતે કોઈપણ જાતની પોલીસની મંજુરી માંગી નહોતી તેમને આ બાબતની કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું અને શોખ ખાતર ડેસ્ક બોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ રાખી હોવાની કબુલાત કરી હતી. આથી એ-ડિવીઝન પોલીસ મથકે પ્રદિપસિંહ વિક્રમસિંહ ઝાલા સામે પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી પોલીસ લખેલ પ્લેટ રાખવા બાબતે ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.
બીજા બનાવમાં વઢવાણ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસેથી ગત તા.૨૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ એક કારના ડેસ્ક બોર્ડ પર પોલીસ લખેલ પ્લેટ સાથે પસાર થઈ હતી. જે અંગે તપાસ કરતા કાર માલિક સાયલા તાલુકાના નડાળા (દેવગઢ) ગામના હોવાનું જણાઈ આવતા વઢવાણ પોલીસ મથકે બોલાવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં કાર અંગે પુછપરછ કરતા તેઓ કોઈ પણ સરકારી વિભાગમાં કે પોલીસમાં ફરજ ન બજાવતા હોવા છતાં શોખ ખાતર પોલીસ લખેલ પ્લેટ સાથે કાર લઈ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થયા હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરવા બદલ વઢવાણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આમ અલગ-અલગ બે બનાવમાં બે કારચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.