જવાહર મેદાનમાં યુવાન પર બે શખ્સનો ધોકા વડે હુમલો
યુવાન મિત્ર સાથે ઉભા હતા ત્યારે બનાવ બન્યો
મારા મારીમાં યુવાનનું પાકીટ ક્યાંક પાડી ગયું,મોબાઈલ પણ તૂટી ગયો હતો
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરના ભરતનગર, શિવનગરમાં રહેતા અને સુરતમાં કાપડનો ધંધો કરતા યુવાન દિનેશભાઈ મોહનભાઈ રામચંદાણીએ અગાઉ દેવું થઈ જતા સન્ની કસોટીયા પાસેથી રૂા.પાંચ લાખ લીધા હતા. આ રકમ તેમણે પાંચ મહિના પહેલા ચૂકવી દીધી હોવા છતાં સન્ની કસોટીયાનો ભાઈ નાનુ કસોટીયા તેની સાથે આડોડાઈ કરતો હતો. ગત સાંજે દિનેશભાઈ રામચંદાણી શહેરના ગધેડીયા ફિલ્ડમાં તેમના મિત્ર સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન એક્સેસ લઈને આવેલા રાહુલ ઉર્ફે નાનુ તોગાભાઈ કસોટીયા ( રહે. કાળીયાબીડ ) અને સંજય ( રહે. સિંધુનગર )એ દિનેશભાઈ કાંઈ સમજે તે પહેલા ધોકા વડે આડેધડ માર મારી ઇજા પહોંચાડી હતી. મારામારી દરમિયાન દિનેશભાઈનો મોબાઇલ ફોન પણ તૂટી ગયો હતો અને તેમનું પાકીટ પણ ક્યાંક પડી ગયું હતું. દરમિયાન લોકો ભેગા થઈ જતા આ બંને શખ્સ ધમકી આપી જતા રહ્યા હતા.આ બનાવમાં ઇજાગ્રસ્ત દિનેશભાઈ રામચંદાણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમણે હુમલો કરનાર રાહુલ ઉર્ફે નાનુ તોગાભાઈ કસોટીયા અને સંજય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.