જ્વેલરી શોપમાં ચોરીઓ કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા
ચાંદીના ૧૭ કિલો દાગીના કબજે કરતી પોલીસ : સસ્તા ભાવે દાગીના ખરીદતો સોની પણ ઝડપાયો
વડોદરા,વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ગોધરામાં જ્વેલરી શોપમાં તથા વાહનોની ઉઠાંતરી કરનાર ટોળકીના ત્રણ સાગરીતોને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, કાર, બાઇક,મોબાઇલ ફોન અને રોકડા રૃપિયા સહિત કુલ રૃપિયા ૧૯.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેરમાં સોના - ચાંદીની દુકાનમાં તેમજ બંધ મકાનમાં ચોરી કરનાર આરોપીઓની પોલીસે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી. અગાઉ ઘરફોડ ચોરીઓમાં પકડાયેલા આરોપી સતપાલસીંગ ક્રિપાલસીંગ જૂની ( રહે. વડનગર) ની તપાસ કરતા તેની પર શંકા જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. સતપાલસીંગ અવાર - નવાર ઘરફોડ ચોરીઓ કરવા માટે વડોદરા આવતો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, સતપાલસીંગ તેના સાગરીત અર્જુનસીંગ સાથે ચોરીના દાગીનાઓ વેચવા માટે ગોરવા - પંચવટી કેનાલ પાસે દર્શનમ તરફ જતા રોડ પર છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ( ૧) મનિષકુમાર સોની ( રહે. ડેરા ફળિયું, દંતેશ્વર) (૨) સતપાલસીંગ (રહે. વડનગર, હાલ રહે.બાલાજી સોસાયટી, ગામ વાવ, તા. સતલાસણા,જિ. મહેસાણા) તથા (૩) અર્જુનસીંગ જંગસીંગ ટાંક (રહે. લક્ષ્મીનગર સોસાયટી, લક્ષ્મીપુરા ગામ પાસે) મળી આવ્યા હતા.તેઓ પાસેથી ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, ચાંદીના દાગીના તરસાલીની માનસી જ્વેલર્સ, સાવલી ખાતેની જ્વેલરી શોપ તથા માંડવી લાડલા જ્વેલર્સમાંથી ચોરી કર્યા હતા. તેમજ રોકડા રૃપિયા ગોરવાના એક મકાન તથા લહેરીપુરા દરવાજા પાસેની જ્વેલરી શોપમાંથી ચોરી કર્યા હતા.
જ્યારે મનિષ સોની દાગીના ચોરીના હોવાનું જાણવા છતાંય સસ્તા ભાવે ખરીદ કરતો હતો. પોલીસે ત્રણેય પાસેથી ૧૭.૪૦૦ કિલો ચાંદીના દાગીના કિંમત રૃપિયા ૧૨.૯૨ લાખના કબજે કર્યા હતા. ચોરીના વાહનોમાં ગુનો કર્યા પછી આરોપીઓ આ વાહનો બિનવારસી હાલતમાં છોડી દેતા હતા.
છ મહિનામાં ૧૩ ગુનાઓ કર્યા બંને આરોપીઓનો ભૂતકાળ ગુનાઇત
પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, બે કાર, ત્રણ બાઇક, ચાર મોબાઇલ અને રોકડા મળી કુલ રૃપિયા ૧૯.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ ૧૩ ગુનાઓનો ભેદ ઉકલ્યો છે. જે ગુનાઓ તેઓએ છેલ્લા છ મહિનામાં કર્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી સતપાલસીગ સામે ૩૪ ગુનાઓ રાજ્યના અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જ્યારે અર્જુનસીંગ સામે ૬ ગુનાઓ નોંધાયા છે.