ઉમરગામના સંજાણમાં આંતરરાજ્ય ધોત્રે ગેંગના બે સાગરિતો પકડાયા
- આરોપીએ ઉમરગામ તાલુકામાં 16 ચોરીના ગુનાની કબુલાત કરી: ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરી અંજામ આપતા હતા
- બન્ને આરોપી અગાઉ મહારાષ્ટ્રના 10 ચોરીના ગુનામાં પકડાયા હતા: ઉમરગામના નોંધાયેલા 9 ગુનાનો ભેદ ઉકેલાયો
વાપી, તા. 07 જાન્યુઆરી 2024, રવિવાર
ઉમરગામના સંજાણમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ધોત્રે ચોર ટોળકીના બે સાગરિતને પકડી પાડી રોકડા રૂ. 9.50 લાખ, સોનાના દાગીના અને મોપેડ જપ્ત કરી હતી. આરોપીએ મમકવાડા ગામે બંઘ મકાનમાંથી રોકડા અને સોના-ચાંદીના દાગીના ચોરી સહિત 16 કેસમાં સંડોવણી હોવાની કબુલાત કરી હતી. ગેંગના સાગરિતો ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા હતા.
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરગામના સંજાણ ગામે ટીવીએસ મોપેડ (નં.એમએચ-47-બીજે-5503) ને અટકાવ્યા બાદ બે શખ્સોની પૂછપરછ કર્યા બાદ થેલામાં તપાસ કરતા રોકડા અને દાગીના મળી આવ્યા હતા. પૂછપરછમાં બન્ને આંતરરાજ્ય ઘોત્રે ગેંગના સાગરિત હોવાનું અને મુદ્દામાલ ચોરીનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રકમ ધોત્રે અને નવીન ધોળીને ઘરપકડ કરી રોકડા રૂ. 9.50, દાગીના અને મોપેડ જપ્ત કરી હતી. આરોપીઓએ મમકવાડામાં બંધ મકાનમાંથી મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીએ ઉમરગામના ગ્રામ્ય વિસ્તારમાં 16 સ્થળેથી મુદ્દામાલની ચોરી કર્યાની કબુલાત કરી છે. ગેંગના બે સાગરિતો શ્યામ ઉર્ફે સંચા ચિન્નપા ધોત્રે અને જીતેશ શશી દુસાંગેના નામોની કબુલાત કરતા વોન્ટેડ જાહેર કર્યા છે.
આરોપીઓ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરી રાત્રિ દરમિયાન અંજામ આપતા હતા. પકડાયેલા આરોપીની પૂછપરછમાં ઉમરગામ પોલીસ ચોપડે નોંધાયેલા 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. ધોત્રે ગેંગમાં પરિવારના સભ્યો અને અન્ય સાગરિતો છેલ્લા 20 વર્ષથી ચોરી કરે છે. ગત જાન્યુઆરી 2023માં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધોત્રે ગેંગના પાંચ સાગરિતોને પકડી પાડી જિલ્લાના 11 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલા આરોપી રામ ધોત્રે અને નવીન ધોડી મહારાષ્ટ્રના અંધેરી, દહીસર અને કલોંબોલી, કુરાર, સમતાનગર સહિત જુદા જુદા પોલીસ મથકમા નોંધાયેલા કુલ 10 ચોરીના ગુનામાં અગાઉ પકડાયા હતા.