જામનગર અને કાલાવડની બે પરણીતાને સાસરીયાઓનો ત્રાસ: સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઇ
જામનગરમાં રહેતી એક પરણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જ્યારે કાલાવડમાં રહેતી એક પરણીતાને તેણીના પતિએ ત્રાસ આપ્યાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જામનગરમાં લાલવાડી આવાસ માં રહેતી અને રાજકોટ પરણાવેલી મીનાબેન હરેશભાઈ મારડિયા નામની 21 વર્ષની પરણીત યુવતી એ પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ હરેશ મગનભાઈ મારડિયા, સાસુ જયશ્રીબેન મગનભાઈ મારડિયા, સસરા મગનભાઈ ધનજીભાઈ મારડિયા, દીયર રવિભાઈ મગનભાઈ મારડિયા, અને દેરાણી મયુરીબેન રવિભાઈ મારડિયા સામે ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસે તમામ આરોપીઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોધી તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.
કાલાવડમાં નાની વાવડી રોડ પર રહેતી નીતાબેન નરશીદાસ શ્રીમાળી નામની 36 વર્ષની પરણીત યુવતીએ પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી પતાવી દેવાની ધમકી આપવા અંગે પોતાના પતિ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા નરશીદાસ વલ્લભદાસ શ્રીમાળી સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.