દમણની હોટલના બાથરૂમમાં પુત્રને કરંટ લાગતા પિતા દોડી જતા તેને પણ કરંટ લાગ્યો, બંનેના મોત

દમણની હોટલમાં વીજકરંટ લાગતા નડિયાદના પિતા-પુત્રના મોત

ઘટનાની તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી હોટલ બંધ કરી દેવાય : પોલીસે ગુનો નોંધ્યો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
દમણની હોટલના બાથરૂમમાં પુત્રને કરંટ લાગતા પિતા દોડી જતા તેને પણ કરંટ લાગ્યો, બંનેના મોત 1 - image

વાપી,રવિવાર

દમણના સી ફેસ રોડ પર આવેલી હોટલના બાથરૂમમાં નડિયાદના પિતા-પુત્રને વીજકરંટ લાગતા મોત થયા હતા. ઘટનાને પગલે કલેક્ટર, પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી હોટલ સીલ કરી દેવાઇ છે. પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર નડિયાદ ખાતે મિશન રોડ પર અક્ષર હાઇટસમાં રહેતા શ્રીકાંત મુકેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)  પરિવાર સાથે શનિ-રવિની રજામાં દમણની સહેલગાએ આવ્યા હતા. વાઘેલા પરિવાર ગઇકાલે શનિવારે સી ફેસ રોડ પર આવેલી હોટલ નાનાસ પેલેસની રૂમમાં રોકાયા હતા. મોડીસાંજે શ્રીકાંત વાઘેલાનો છ વર્ષિય પુત્ર શીનોન બાથરૂમમાં ગયો તે વેળા કરંટ લાગતા બુમાબુમ મચાવી દીધી હતી. બાદમાં શ્રીકાંત અને પત્ની કિંજલ દોડી ગયા હતા. પુત્રને બચાવવા જતા શ્રીકાંતને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં પિતા-પુત્રના મોત થયા હતા. 

ઘટનાને પગલે જિલ્લા કલેકટર ડો.સૌરભ મિશ્રા, પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો હતો. કલેકટરે નિરીક્ષણ કર્યા બાદ તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી હોટલને સીલ કરી દીધી હતી. કલેક્ટરે ગંભીર ઘટના બન્યા બાદ તમામ હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોને આગામી સાત દિવસમાં તેમની જગ્યામાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ કરાવવા સૂચના આપવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. પિતા-પુત્રનું મોત અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પણ પી.એમ. રિપોર્ટમાં કરંટ લાગ્૨યો હોવાનું તારણ બહાર આવ્યું છે.

DamanHotel

Google NewsGoogle News