હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલાતા ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક ઇન્ફ્લો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
હથનુર ડેમના તમામ 41 દરવાજા ખોલાતા ઉકાઇ ડેમમાં બે લાખ ક્યુસેક ઇન્ફ્લો 1 - image


- ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મેઘમહેર, ટેસ્કામાં 16, નવાથામાં 7, દેડતલાઇમાં 5 ઇંચ વરસાદઃ ઉકાઇ ડેમની સપાટી વધીને 338.88 ફુટ

        સુરત

મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટના ટેસ્કામાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ, નવાથામાં ૭ ઇંચ, દેડતલાઇમાં પાંચ ઇંચ સહિત મુશળધાર વરસાદ ઝીંકાતા તમામ ૪૧ દરવાજા ખોલીને ચાર લાખ કયુસેક પાણી છોડાતા મોડી સાંજે ઉકાઇ ડેમમાં ૨ લાખ કયુસેક ઇનફલો આવતા સપાટીમાં ૧૨ કલાકમાં સવા ફુટનો વધારો થતા જ સતાધીશો હાઇએલર્ટ મોડ પર આવી ગયા છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસતા ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં ૧૭૦૦ મિ.મિ અને સરેરાશ દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. આ વરસાદમાં સૌથી વધુ વરસાદ ઉકાઇ ડેમની ઉપરના હથનુર ડેમના કેચમેન્ટમાં વરસ્યો હતો. આ ડેમની કેપેસીટી ૪૦૦ એમસીએમની જ છે. અને ડેમ ભયજનક લેવલ ૨૧૪ ફુટ થી એક જ મીટર દૂર છે. આથી ત્યાંના સતાધીશોએ ડેમના તમામ ૪૧ દરવાજા ખોલીને ચાર લાખ કયુસેક સુધી પાણી છોડયુ હતુ. આ પાણીની આવક આજે સવારથી જ ઉકાઇ ડેમમાં આવવાની શરૃઆત થતા સવારે ૬૪ હજાર કયુસેક ઇનફલો બાદ વધતો જઇને મોડી સાંજે સાત વાગ્યે ૨ લાખ કયુસેક થયો હતો.

ઉકાઇ ડેમમાં પ્રથમ વખત હેવી ઇનફલો આવતા સવારે ઉકાઇ ડેમની સપાટી ૩૩૭.૪૮ ફુટ નોંધાઇ હતી. સાંજે સાત વાગ્યે સવા ફુટ વધીને ૩૩૮.૮૮ ફુટ થઇ હતી. જયારે ઉકાઇ ડેમમાંથી ખેતીપાક માટે ૮૦૦ કયુસેક જ પાણી કેનાલ વાટે છોડાતુ હતુ. જયારે હથનુર ડેમમાંથી ચાર લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૪૫ ફુટ છે. આથી હવે સપાટી રૃલલેવલથી છ ફુટ જ દૂર છે.ઉકાઇ ડેમના સતાધીશોના જણાવ્યા મુજબ હાલ ડેમમાં પાણી સ્ટોરેજ થાય તેટલી જગ્યા છે. અને આજે દિવસના વરસાદ ધીમો પડયો છે. આથી હાલ પાણી સ્ટોરેજ કરાશે. આથી ૮૦૦ કયુસેક જ પાણી ડેમમાંથી કેનાલ વાટે છોડાઇ રહ્યુ છે.

ઉકાઇ ડેમમાં હજુ પણ 1200 એમસીએમ પાણીની સંગ્રહ કરી શકાશે

આ વર્ષે મેઘરાજા ઓછા વરસતા હવે ડેમ ભરાશે કે કેમ તે એક પ્રશ્ન તમામના મનમાં ચાલી રહ્યો હતો. પરંતુ ૨૪ કલાકનો વરસાદ જ ખાલી ડેમ ભરી દેશે. કેમકે ઉકાઇ ડેમમાં હજુ પણ ૧૨૦૦ મિલિયન કયુબીક મીટર ( એમસીએમ ) પાણીની જગ્યા છે. અને હાલમાં ૬૦૦ એમસીએમથી પણ વધારે પાણી આવી શકે તેમ છે. સાથે જ આ વરસાદના કારણે સતત પાણી આવવાથી ઉકાઇ ડેમની સપાટી ૩૪૧ ફુટને વટાવી જશે. આથી આ વખતે પણ ડેમ ફુલ ભરાઇ જશે.

ઉકાઇ ડેમના કેચમેન્ટનો વરસાદ

રેઇનગેજ સ્ટેશન    વરસાદ (ઇંચ )

ટેસ્કા                ૧૬.૦૦

નવાથા             ૦૭.૦૦

ચોપડાવ            ૦૬.૦૦

દેડતલાઇ           ૦૫.૦૦

કાંકડીઅંબા         ૦૪.૦૦

ઉકાઇ               ૦૩.૦૦

ચાંદપુર             ૦૩.૦૦

વાનખેડ            ૦૨.૦૦

બુરહાનપુર          ૦૨.૦૦

લુહારા              ૦૧.૫૦

શિરપુર             ૦૧.૫૦


Google NewsGoogle News